ચાલને, ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ
chaalne, chaitranii chaandnii raatmaan chaaliye
ઉમાશંકર જોશી
Umashankar Joshi
ચાલને, ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ
chaalne, chaitranii chaandnii raatmaan chaaliye
ઉમાશંકર જોશી
Umashankar Joshi
ઉમાશંકર જોશી
Umashankar Joshi
ચાલને, ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ.
લહરી ઢળકી જતી,
વનવનોની કુસુમસૌરભે મત્ત છલકી જતી,
દઈ નિમંત્રણ અમસ્તી જ મલકી જતી,
સ્વૈર પથ એહનો ઝાલીએ,
ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ,
ચાલને!
વિરહસંતપ્ત ઉર પર સરે મિલનનો
સ્પર્શ સુકુમાર, એવો ઝરે નભ થકી ચંદ્રનો
કૌમુદીરસ અહો!
અવનિના ગ્રીષ્મહૈયા પરે પ્રસરી કેવો રહ્યો!
ચંદ્રશાળા ભરી ઊછળે,
આંગણામાં ઢળે,
પેલી કેડી પરે લલિત વનદેવીસેંથા સમો ઝગમગે,
દૂર સરવરપટે મંદ જળના તરંગો પરે તગતગે.
અધિક ઉજ્જ્વળ કરંતો જ તુજ ભાલને, ગાલને.
સોમ એ હૃદયભર પી ઘડી મ્હાલીએ,
ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ,
ચાલને!
સ્રોત
- પુસ્તક : ઉમાશંકરનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 84)
- સંપાદક : નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી, ભોળાભાઈ પટેલ
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2012
- આવૃત્તિ : પુનર્મુદ્રણ
