Bomb no Vyas Tris Centimeter Hato - Free-verse | RekhtaGujarati

બૉમ્બનો વ્યાસ ત્રીસ સેન્ટિમીટર હતો (હિબ્રૂ કવિતા)

Bomb no Vyas Tris Centimeter Hato

યેહુદા અમિચાઈ યેહુદા અમિચાઈ
બૉમ્બનો વ્યાસ ત્રીસ સેન્ટિમીટર હતો (હિબ્રૂ કવિતા)
યેહુદા અમિચાઈ

બૉમ્બનો વ્યાસ ત્રીસ સેન્ટિમીટર હતો

અને એની વિનાશશકિ્તના વર્તુલનો વ્યાસ સાત મીટર હતો.

અને મર્યાદાવર્તુલમાં પડ્યા હતા ચાર મરેલા અને અગિયાર ઘવાયેલા

અને એની આજુબાજુ વેદના અને સમયના વધુ વિસ્તરેલા વર્તુલમાં

વેરવિખેર ઊભાં છે બે દવાખાનાં અને એક કબ્રસ્તાન.

પણ સો કરતાં વધુ કિલોમીટર દૂરની ભૂમિમાંથી

આવેલી સ્ત્રીને જ્યાં ભૂમિદાહ કર્યો તે બિન્દુ

વર્તુલને ખૂબ વિસ્તારી દે છે.

અને તેના મૃત્યુ પર આંસુ સારતા એકાકી માનવીનું બિન્દુ

દૂરના પ્રદેશના એક દૂરના ખૂણામાં

સમસ્ત વિશ્વને વર્તુલમાં સમાવી લે છે.

અને હું ચૂપ રહીશ અનાથ બાળકોનાં આંસુ વિશે

કે જે ઈશ્વરના સિંહાસન સુધી પહોંચે છે

અને ત્યાંથી વધુ વિસ્તરી

વર્તુલને અનંત અને ઈશ્વરવિહોણું બનાવે છે.

(અનુ. ઈન્દ્રજિત મોગલ)

સ્રોત

  • પુસ્તક : કવિતા - એપ્રિલ, 1980 (પૃષ્ઠ ક્રમાંક 8)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ