bijo pag pan - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

બીજો પગ પણ....

bijo pag pan

સરુપ ધ્રુવ સરુપ ધ્રુવ
બીજો પગ પણ....
સરુપ ધ્રુવ

સિન્ડ્રેલા!

શું? અટકી કેમ ગઈ?

જો,

તારો એક પગ તો હજી ઉંબરની અંદર છે!

બહાર આવતાં કેટલી વાર?

ભલેને, બંને કાંટા બાર પર એકઠા થાય,

ભલેને, તું બહાર રહી જાય

ને બંધ થઈ જાય જડ ને જડબેસલાક બારણાં.

ગુમાવવાં પડશે તો તારી સોનેરી મોજડી

અને ખોટુકલા વેશ-વાઘા ને?

સો વોટ?

લટિયાં ઝટિયાં ને

લબડતાં ચિંથરાં તો છે તારી વાસ્તવિકતા.

ઉઘાડા પગ અને ઊંડી ઊતરી ગયેલી આંખો તો છે.

તારો વર્તમાન.

ચાર દીવાલોની અંદર

ઘરખૂણે ચૂલાની આગળ કે

સાત પડદાની પેલી પાર પણ

તારી હકીકત તો હતી...એની જ.

અલબત્ત, લોકોએ

એમની પ્રતિષ્ઠા સાચવી રાખવા

આપ્યાં હતાં તને ફૂલ ગુલાબી ફરાક

પણ તો ક્યારે?...

-જ્યારે લોકો શીખવાડે તું શીખે,

લોકો બોલાવે એમ તું બોલે,

ચલાવે તેમ ચાલે અને લોકોને

ગમે તેમ (ગમેતેમ નહિ) રહે...તો!

જો....તો

જો....તો

તો-તો-ને તો તને મળે આવાં તેવાં

અભયવચન.

લોકોએ દોરેલી લક્ષ્મણરેખાની અંદર

લોકોએ મૂકેલા ઘડિયાળના ટકોરે

લોકોએ આપેલી ચાવીના તાલેતાલે

જો જીવવાનું હોય તારે

તો પછી બોલ!

કઈ બાજુ જવું છે તારે?

એટલું તો ચોક્કસ કે અંદર તો તું એકલી હોઈશ.

પણ બહાર તો હશે અનેકાનેક સિન્ડ્રેલાઓ...

કોઈક કાગળ વીણતી, તો કોઈક શાક વેચતી,

કોઈક વાવતી, તો કોઈક લણતી,

કોઈ ભણાવતી ને વળી ભણતી

કોઈક કોદાળી સાથે તો કોઈક ખાલી હાથે,

લાકડાં વીણતી કે છોકરાં જણતી,

રાંધતી, સાંધતી કે રસ્તા બાંધતી...

ઉઘાડપગી, ચિંથરેહાલ સિન્ડ્રેલાઓ સિન્ડ્રેલાઓ...

અલબત્ત,

હવે કાંઈ એમને માટે કે તો તારે માટે

કોઈ સોનાપરી આવવાની નથી

કોઈ જાદુઈ લાકડી અડવાની નથી

કે કોઈ રૂપાળા રાજકુમારની રાહ જોવાની નથી.

ને એય સાચું કે

એક દિવસ તો લોકોનાં આપેલાં

ચિંથરાંયે નહિ રહે તારી પાસે

અને તો હશે તારો અનાવરણ વિધિ!

પછી તો તારા શ્વાસ ને તમારા એકમેકના નિઃશ્વાસ ઓઢીને

જીવવું પડશે તારે

પણ તારા નામે કહેવાતી

ગળચટ્ટી પરીકથાની પાંખો તો કાપવી રહી, ક્યારેક...

ને તારી આજુબાજુ વિંટળાયેલા કોશેટામાંથી

કાઢી કાઢીને તારે તાર

વણવો પડશે સાવ પોતાનો પહેરવેશ.

અને ત્યારે નહિ હોય છૂપાવા માટેનો, છૂપાવવા માટેનો કે પછી

છટકવા માટેનો છદ્મવેશ!

તો પછી?

ચાલ,

જો....સંભળાય છે?

એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર અને

ખેંચી લે હવે તો

બીજો પગ પણ ઉંબર બહાર....

સ્રોત

  • પુસ્તક : શૂન્યતામાં પૂરેલા દરિયાનો તરખાટ... (પૃષ્ઠ ક્રમાંક 311)
  • સંપાદક : ઉષા ઉપાધ્યાય
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2007