biijii january, 2024 - Free-verse | RekhtaGujarati

બીજી જાન્યુઆરી, ૨૦૨૪

biijii january, 2024

ઇંદુ જોશી ઇંદુ જોશી
બીજી જાન્યુઆરી, ૨૦૨૪
ઇંદુ જોશી

હોસ્ટેલમાંથી તું પાછો આવ્યો

ત્યારે

ઘરની બધી વસ્તુઓ પણ જાણે

પોતાની જગ્યા છોડી ફરવા માંડી ગમે ત્યાં

આખા ઘરમાં ક્યાંય પણ.

પરિચિતો મિત્રોની અવર

અને

આપણા ચારેય જણની ઘરમાંથી જવર

વારેવારે થવા માંડી.

મારા બધા પ્લાનિંગ રફે દફે.

ઘણીવાર અકળાતી પણ હું.

પણ તું તો પહેલેથી થોડો લુચ્ચો

ને બધાને પટાવી લેવામાં ઉસ્તાદ.

આપણી વચ્ચે દલીલો ને મસ્તી મજાક ચાલતા રહ્યા

ક્યારેક મા દીકરાની જેમ તો ક્યારેક દોસ્તોની જેમ.

દસ પંદર દિવસો તો આમ વહી ગયા....

જૂના વર્ષની જેમ.

તું ગઈકાલે ગયો હોસ્ટેલ પાછો.

ઘરમાં બધી વસ્તુઓને

ફરીથી પાછી ગોઠવાતાં,

જરાક સ્થિર થતાં

થોડી વાર તો લાગશે

મારી જેમ.

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ