andhkarna shwan - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અન્ધકારના શ્વાન

andhkarna shwan

પ્રવીણ પંડ્યા પ્રવીણ પંડ્યા
અન્ધકારના શ્વાન
પ્રવીણ પંડ્યા

અન્ધકારના ભૂખ્યા ભૂખ્યા શ્વાન,

જેને હોય રાખેડી રંગની તગતગતી બે આંખ,

કાળા કાળા કાન,

બારીમાંથી ફેંકાતા પ્રકાશના ટુકડા પર તૂટી પડે

અન્ધકારના ભૂખ્યા ભૂખ્યા શ્વાન.

શેરીની ઓટલા પર બેઠેલાં છોકરાં ડૂબી ગયાં બીભત્સ વાતોમાં,

વૃદ્ધોએ પકડી આરતી અને અજાન,

જેને હોય રાખોડી રંગની તગતગતી બે આંખ, કાળા કાળા કાન,

શ્વાન, અન્ધકારના ભૂખ્યા ભૂખ્યા શ્વાન.

ફૂટપાથી હોટલોના ભઠ્ઠામાં શેકાય જાડી જાડી ગોળ રોટલી,

ફૂટપાથ પર બેઠેલા ભિખારીઓનાં પેટમાં એવી ભૂખ,

જેને હોય રાખોડી રંગની તગતગતી બે આંખ,

કાન કાળા કાળા કાન,

અન્ધકારના ભૂખ્યા ભૂખ્યા શ્વાન,

ઉપલા દાંતથી દબાવી નીચલો હોઠ, રૂપજીવિનીઓ પાનની

પિચકારી માટે સ્ટ્રીટલાઈટના સ્તમ્ભ પર,

રાહદારીઓની આંખમાં ધખધખતો લાલચોળ લાવા,

જેને હોય રાખોડી રંગની તગતગતી બે આંખ, કાળા કાળ કાન,

મૃત શ્વાનને દાંત વડે ઊંચકી ભમે સલામત સ્થાન માટે

જીવન્ત શ્વાન.

ઉકરડામાં પડ્યાં છે મૃત જાનવરોનાં જીર્ણ કંકાલ,

મન્દિરની દાનપેટીઓમાં પુણ્ય, ધર્મ, ઈશ્વર,

જેને હોય રાખોડી રંગની તગતગતી બે આંખ, કાળા કાળા કાન,

શ્વાન, અન્ધકારના ભૂખ્યા ભૂખ્યા શ્વાન.

ખોલું બન્ધ દ્વાર, આજે પણ ભડભડ સળગતો ચૂલો,

ધુમાડિયું રસોડું, ત્યાં જોઈ શકું પળવાર આંસુ સારતી મા,

ખાટના કિચૂડ કિચૂડ કર્કશ અવાજ જેવી જિન્દગી પર

ઝૂલતા પિતા,

દીવાની કાળી સેર પાસે સફેદ કબજાના કાપડ પર

લીલો મોર ગૂંથતી બહેન,

પુસ્તકમાંથી રસ્તો કરી દૂર દૂર નીકળી જવા મથતું

મ્હારું બાળપણ,

આંખમાં સરી આવે દૂર દૂરથી થાકેલું,

સત્તાવીસ વર્ષનું ગોળ ગોળ આંસુ,

જેને હોય રાખોડી રંગની બે આંખ કાળા કાળા કાન,

શ્વાન, અન્ધકારના ભૂખ્યા ભૂખ્યા શ્વાન.

કાળી કાળી છે ભીંત, સજ્જડ બન્ધ સર્વ બારી-કમાડ,

પડી ગઈ છે અસંખ્ય તિરાડ,

ખાલી ખાલી બેમન મકાન,

થીજેલી મધરાત,

જેને હોય રાખોડી રંગની તગતગતી બે આંખ, કાળા કાળા કાન,

શ્વાન અન્ધકારના ભૂખ્યા ભૂખ્યા શ્વાન.

સ્રોત

  • પુસ્તક : અજવાસનાં મત્સ્ય (પૃષ્ઠ ક્રમાંક 11)
  • સર્જક : પ્રવીણ પંડ્યા
  • પ્રકાશક : કવિલોક પ્રકાશન
  • વર્ષ : 1994