રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઆજેય એ ભૂખ નામની અપરાજીત સ્ત્રી
પાનની પિચકારીઓથી ભરેલા
ખૂણામાં પડેલો રોટલીનો ટુકડો ઉપાડી મોઢામાં મૂકી શકે છે
બરાબર એ સમયે હું વેઈટરને બોલાવી
એસી વધારવાની સૂચના આપું છું.
આજેય પેલી પહાડીમાં
અર્ધાં જ વસ્ત્રો પહેરેલ
ભારતીય નારી લાકડાં વીણવા જઈ રહી છે
બરાબર ત્યારે જ હું
બ્રાન્ડેડ કાપડના શૉ રૂમ આગળ
મારી ચકચકતી કાર પાર્ક કરી રહ્યો છું.
આજેય
આજેય ડુંગર પરથી વહી આવતું પાણી
બે હાથની પોશ વાળીને એ પીવે છે
જ્યારે પણ તરસ લાગે ત્યારે ત્યારે.
બરાબર ત્યારે જ
હું હાથ લંબાવું,અરે હોઠ લંબાવું
ને, સીધું પાણી મોંઢામાં આવે એવી વ્યવસ્થા કરાવું છું.
આજેય લખોટી ચોરી જતો હોય એમ
કોઈ ઉદ્યોગપતિ એની જમીન હડપ કરી જાય છે
ત્યારે હું ખાદીનો ઈસ્ત્રીટાઈટ ઝભ્ભો પહેરીને
મંચ પરથી મારા ખરીદેલા માણસો
નક્કી કરેલા સમયે તાળીઓ પાડે એમ એમ
ગોખેલું ભાષણ ઠપકારું છું.
આજેય.....
આજેય...
દિવસ ઉગે છે એમ જ ઉગે છે
જ્યારે મારો ને એનો પૂર્વજ
તાજું જ મારેલું સસલું
બે પથરા અથડાવી
અગ્નિ પેદા કરી...શેકીને...
ભેગા મળી નાગા નાચતા નાચતા ખાતા હતા.
સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ