bhookh maljo - Free-verse | RekhtaGujarati

ભૂખ મળજો

bhookh maljo

કાનજી પટેલ કાનજી પટેલ
ભૂખ મળજો
કાનજી પટેલ

ભૂખ સાંભળી છે

જાણી નથી

કહે છે એમાં એકે એક વેણ્ય

તાર તાર થાય

ઢીંચણ ને હોજરી એક થાય

બસ એક મુઠ્ઠી ધાન માટે

એક કંટી મળે કોદરાની

બાવટો કે બંટી મળે

ભટૂર મળે

અડઘું ઢોબલું થૂલું જડે

તો હોજરી ઠરે

ઠરવાની આશ કંઈ નવી નથી

ઠરવાની આગ ઘણી ઘણી જૂની છે

તો દુનિયા ભૂખને જાણતી નથી

હોજરી માંહોમાંહ પજળે છે

એકે એક હોજરીને

ભવમાં એક વાર એવી ભૂખ મળજો.

સ્રોત

  • પુસ્તક : ડુંગરદેવ (પૃષ્ઠ ક્રમાંક 25)
  • સર્જક : કાનજી પટેલ
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2006