ભીંત
Bhint
મંગેશ પાડગાંવકર
Mangesh Padgaonkar
મંગેશ પાડગાંવકર
Mangesh Padgaonkar
ભીંત મારી આસપાસ,
ભીંત તારી આસપાસ,
ભીંતામિ, ભીંતાવઃ, ભીંતામ:,
ભીંત ભીંત સર્વ તરફ
અહીં ત્યાં ચારેતરફ,
ભીંત ભીંતની,
ભીંતને કાન હોય છે
એટલે દરેક ભીંતને
ભીતિ દરેક ભીંતની
નાની નાની ભીંતોની
એક પ્રચંડ ભીંત
અદૃશ્ય ગોંધનારી.
ભીંત સામે ઊભા રહો
જીભ કાપીને ઊભા રહો
કાનમાં આંગળી ઊભા રહો
આંખો બંધ ઊભા રહો
નીચે બેસો, ઊભા રહો
કાન પકડો, ઊભા રહો...
કોઈક ખોવાઈ ગયું :
કોણ? ખબર જ ન પડી!
ચારની વાચા ગઈ :
કોની? ખબર જ ન પડી!
ત્રણની આંખો ગઈ :
કોની? ખબર જ ન પડી!
એક સાથે પોકાર કરો :
સર્વ ભીંતો સર્વના સર્વકલ્યાણ માટે.
એકે પોકાર ન કર્યો :
તે દેખાતો બંધ થયો :
કોણ? ખબર જ ન પડી!
ભીંતોની ટેવ પડશે,
ટેવની ભીંત થશે.
ભીંતને શિસ્ત જોઈએ,
શિસ્તને ભીંત જોઈએ.
એ...ક...બે...ત્ર...ણ ચા...ર
ભીંતવાળાનું ભેજું હોશિયાર,
જય બોલો હે! જય બોલો
આ ભીંતનો જ્ય બોલો....
(અનુ. ભાર્ગવ કાનાણી)
સ્રોત
- પુસ્તક : કવિતા : ફેબ્રુઆરી 1985 (પૃષ્ઠ ક્રમાંક 13)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
