bhagwan mahawir ane jetho bharwaD - Free-verse | RekhtaGujarati

ભગવાન મહાવીર અને જેઠો ભરવાડ

bhagwan mahawir ane jetho bharwaD

સૌમ્ય જોશી સૌમ્ય જોશી
ભગવાન મહાવીર અને જેઠો ભરવાડ
સૌમ્ય જોશી

સ્યોરી કેવા આયો સું ઘાબાજરિયું લાયો સું.

હજુય દુઃખતું હોય તો લગાડ કોન પર વાત હોંભર મારી.,

તીજા ઘોરણમો તારો પાઠ આવ છઃ ‘ભગવોન મહાવીર’.

અવ ભા ના પાડતા’તા તોય સોડીન ભણાવા મેલી મોંડમોંડ.

તે ઈણે ઈસ્કૂલથી આઈને પથારી ફેવરી કાલ.

ડાયરેક્ટ ભાને જઈન કીધું

આપડા બાપ-દાદા રાક્ષસ તો મહાવીરના ભગવોનનાં કોનમાં ખીલા ઘોંચ્યા.

હવ ભાની પરશનાલિટી તન ખબર નહીં,

ઓંખ લાલ થાય એટલે શીઘ્ઘો ફેંશલો.

મને કે’ ઈસ્કૂલેથી ઉઠાડી મેલ સોડીન.

તારા પાઠે તો પથારી ફેવરી હાચ્ચન.

હવ પેલાએ ખીલા ઘોંચ્યા ખોટું કર્યું મુંય માનું સું.

પણ ઈન ઓછી ખબર હતી તું ભગવોન થવાનો

ને તીજા ધોરણમાં પાઠ આવવાનો તારો

ઈનું તો ડોબું ખોવઈ જ્યું તો ગભરઈ જ્યો બિચારો

બાપડાના ભા મારા ભા જેવા હશે

મારથી ચંદી ખોવઈ જઈતી તો ભાએ ભીંત જોડે ભટકઈન બારી કરી આલી’તી ઘરમોં

તો પેલાનું તો આખું ડોબું જ્યું તારા લીધે

દિમાગ બરાબર તપ્યું હશે તો ઘોંચી દીધા ખીલા

વોંક ઈનો શી. હાડીહત્તર વાર ખરો

પણ થોડો વોંક તારીય ખરોક નઈ?

અવ બચારો ચ્યોંક જ્યો

તો બે મિનિટ અંશ્યું ફાડીન ઈનું ડોબું હાચવી લીધું હોત તો તું ભગવોન ના થાત?

તારું તપ તૂટી જાત?

અવ ઈનું ડોબુંય ઈનું તપ હતુન ભઈ?

ચલો એય જવા દો

તપ પતાઈન મોટો મા’ત્મા થઈન બધાન અપદેસ આલવા મંડ્યો પસીય તન ઈમ થ્યું પેલાનું ડોબું પણ અલાઉં?

તું ભગવોન, માર તન બઉ સવાલ નહીં પૂસવા

મુ ખાલી એટલું કઉસું વોંક બેયનો સે તો ભૂલચૂક લેવીદેવી કરીન પેલો પાઠ કઢાયન ચોપડીમથી,

હખેથી ભણવા દેને મારી સોડીન

હજાર દેરાં શી તારાં આરસનાં તો એક પાઠ નઈ હોય તો કંઈ ખાટુંમોરુ નઈ થાય.

તોય તન એવું હોય તો પાઠ ના કઢાઈસ બસ

ખાલી એક લીટી ઉમેરાય ઈમોં

પેલો ગોવાળિયો આયો’તો,

સ્યોરી કઈ જ્યો સ,

ઘાબાજરિયું દઈ જ્યો સ.

સ્રોત

  • પુસ્તક : ગ્રીનરૂમમાં (પૃષ્ઠ ક્રમાંક 40)
  • સર્જક : સૌમ્ય જોશી
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
  • વર્ષ : 2008