bhagatsinhni ukti - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ભગતસિંહની ઉક્તિ

bhagatsinhni ukti

બારિન મહેતા બારિન મહેતા
ભગતસિંહની ઉક્તિ
બારિન મહેતા

જેલની કોટડીમાં

પથરાયો છે અંધકાર

ને ભીતરમાં ઊભરાય છે

તેજ.

હું સ્પષ્ટ છું

મેં જે કર્યું વિશે

હું સ્વસ્થ છું

આવતી કાલે વહેલી સવારે

આવનારા અંતિમ પરિણામ વિશે.

આંખોમાં સ્વાતંત્ર્યનું સ્વપ્ન

ને હૈયામાં એની ધખના લઈ

ઘરમાંથી ચોકમાં

ને ચોકમાંથી લોકમાં

પ્રવેશતો ગયો ત્યારથી

જાણતો હતો

આગ છુપાવી નથી શકાતી

ભરી સંસદમાં

દુશ્મનો વચ્ચે

ઈન્કિલાબ ઝિંદાબાદનાં ફરફરિયાં રૂપે

વરસાવવી પડે.

આમ ક્રિયાની નિશ્ચિતતા

હોવાની નિશ્ચિતતા બને છે.

યાદ છે મને

મારા ગામનું ભૂખ્યું પેટ.

ત્યાંની ધરતીનો વલવલાટ

-ગુલામીની ઓળખનો પર્યાય!

તે દિવસે મારી છાતીમાં

ભૂગોળનો અનર્થ ફાટ્યો.

ગાડાને ચીલે ચીલે

બોરડીનાં બોર તોડતો હું

એકાએક

ઘેરાઈ ગયેલો ધૂંધળી હવાથી.

પછી તો

જોવાના અર્થો ઊઘડતા ગયા

ને ગુલામ ધરતી પર ચાલતો હું

મુઠ્ઠી ભીડી ઘા કરી બેઠો

હવાને તો શું વાગે!

મારું એકાન્ત શરમાઈ ગયેલું, રાજદેવ!

માણસની ચામડીનું સત્ય

ઊતરડી નથી શકાતું,

જે ક્ષણે સમજાયું મને

ક્ષણે

સત્યને રુંધતી દીવાલો

ઘેરી વળી મને,

મારે તોડવી પડી;

અત્યારે ક્ષણે,

મૃત્યુ પહેલાંની રાતે પણ

પ્રક્રિયા-

ના, દીવાલો તોડ્યા વિના મુક્ત ના થવાય!

મુક્તિ માત્ર ગાવાની ચીજ નથી,

મુક્તિ તો લોહીનું બીજ છે.

લોહીમાં ઉથલપાથલ થાય,

લોહીની ઉથલપાથલ થાય,

ત્યારે મુક્તિ કળાય

રાજદેવ!

એક અવાજ હોય છે ધરતીને

જે ખેડે છે ધરતી

તે જાણે છે અવાજ.

-એ અવાજ

જ્યારે ઊતરે કોઈ માણસની છાતીમાં

ત્યારે બનતો હોય છે ક્રાંતિકારી.

એટલે એને દ્રોહી ગણે છે સત્તા!

સત્તાને સંબંધ નથી ધરતી સાથે

એના આવા નક્કર પુરાવાઓ

રીતે મુકાય છે લોક અદાલતમાં

સત્તાનું છોગું હોય અદાલત

લોકોને આપે નહીં ન્યાય.

એટલે ન્યાયાધીશે કહી દીધું: ફાંસી

હા, ફાંસી!

ગળામાં ગાળિયાનો કરકરો સ્પર્શ

ને ‘હેન્ગ હીમ ટીલ ડેથ!’

-મરી જાય ત્યાં સુધી લટકાવો!

અને અમર મૃત્યુ!

પણ આવા મૃત્યુના અનેક અરથો હોય છે.

આપણી ઉપલબ્ધિ છે, રાજદેવ!

જો,

બારી વાટે

સળિયા વીંધીને

આવ્યાં ચન્દ્રકિરણો

આમ આપણાં મૃત્યુ

પ્રવેશવાનાં લોકોમાં

ને પછી-

જોયું તો શું?

એક ક્રાંતિકારી જિંદગીમાં માણસ

કેટલું જોઈ શકે?

તણખો, તણખો છે,

ઘાસની ગંજીમાં પડે

તો આગ ભભૂકે.

થૈ આગ ભભૂકે

તણખાનું કર્તવ્ય!

દોસ્ત,

કર્તવ્યનો ઉરતોષ

મહારાત્રિએ ધબકવા દે

આપણાં હૈયામાં

ને વહેવા દે જીવનનો અંતિમ સંચાર

જેલની કોટડીમાં

જેથી ભીંતો બોલી ઊઠે:

ઈન્કિલાબ ઝિન્દાબાદ!

ઈન્કિલાબ ઝિન્દાબાદ!!

સ્રોત

  • પુસ્તક : યાદવાસ્થળી (પૃષ્ઠ ક્રમાંક 2)
  • સર્જક : બારીન મહેતા