bawal - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

બાવળ,

ઊંચો વધીને આકાશને ચીરી નાખ

તારી હજારો શૂળ વડે,

નક્ષત્રો ને તારાઓનીય પેલે પારથી

તાજી હવા મળે એની રાહ જોઉં છું.

તારી જિજીવિષા આપ મને,

બાવળ, વિષાદના દેવ,

સૂકીભઠ્ઠ ધરતીમાં રોપી શકું મારાં મૂળ

ને ઝઝૂમું ગરમ ગરમ સૂસવાતા વાયરાની સામે.

ના, જીવવાનો ક્યાં છે અર્થ?

અર્થ ને નર્થની લમણાઝીંકમાં

દરિયાનો રસ્તો ભૂલી ગઈ સરસ્વતી.

મારી તરસી આંખોને

ઝાંઝવાનાં પાણીનો કશોય નથી અર્થ.

બાવળ,

આપણે તો વિષાદનો સંબંધ.

નિષાદના બાણથી એકાદ ક્રૌંચ વીંધાય

તોય તારો શોક ક્યાં પામવાનો છે શ્લોકત્વ?

ને તોય લખાવાનું છે એક રામાયણ.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 185)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004