baraphno ajgar - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

બરફનો અજગર

baraphno ajgar

શકુર સરવૈયા શકુર સરવૈયા
બરફનો અજગર
શકુર સરવૈયા

આમિષની લાંબી દાઢીમાંથી એક સફેદ વાળ

ખેંચ્યો

એમાંથી ઉતરી આવી નવેમ્બરની સવાર

આકાશમાંથી ગાંસડીઓ ભરી ભરીને

જીવડાં ફેંકી દીધાં હોય તેમ

બરફના કણો ફેંકાતા હતા.

ઠંડકની આછી ચાદર ઓઢી

ઘરો, રસ્તા, વૃક્ષો

સૂતાં હતાં.

ભોંયતળિયામાં કામ કરતા અર્લ હેમિલ્ટનનો અવાજ હતો,

લગભગ દશથી બાર ફૂટનો નવો પાઈપ નાંખવો પડશે મેમ

મેં કહ્યું :

ભલા માણસ એમાં પૂછવાનું શું?

ઠીક લાગે તે કર, પણ હીટર ચાલુ કર.

બે ત્રણ કલાક પછી

અર્લ મને પોર્ચ પર ખેંચી લાવ્યો

અહીં કાપી નાખેલો જૂનો પાઈપ પડ્યો હતો.

આમ જુઓ, મેમ,

આટલો ભાગ અંદરથી નક્કર છે.

વરાળ આમાંથી પસાર થઈ શકતી નહોતી.

હીટર એટલે ચાલતા નહોતા

અજબ જેવી વાત!

મેં રાતા થઈને પાઈપ પર પગ પછાડ્યો,

સાથે

દશથી બાર ફૂટ લાંબા,

છથી આઠ ઈંચ જાડા

બરફના એક અજગરે પાઈપના એક છેડેથી માથું બહાર કાઢ્યું

ધીરે ધીરે કરતા આખો બહાર નીકળ્યો.

સામેના

ઘાસના મેદાનમાં અલોપ થઈ ગયો!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતા ચયન 1993 (પૃષ્ઠ ક્રમાંક 59)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1995