bano manobhaw - Free-verse | RekhtaGujarati

બાનો મનોભાવ

bano manobhaw

તુષાર શુક્લ તુષાર શુક્લ
બાનો મનોભાવ
તુષાર શુક્લ

ઘરમાં બધા અકળાયા હતા

લોકડાઉનના સમાચાર સાંભળીને :

આવું તે કાંઈ હોતું હશે ?

માણસ ઘરમાં ને ઘરમાં શું કરે ?

બાને તો ચોવીસ કલાક ઓછા પડતા, ઘરમાં !

એમને યાદ આવ્યા પુત્રવધૂના શબ્દો :

વખતે બે રજાનો મેળ પડે તો

કબાટ સરખું કરવું છે.

પુત્ર પણ રાહ જોતો હતો એવા કોઈ યોગની

બૂકશેલ્ફ ગોઠવવા.

ટ્યુશનથી કંટાળેલી પૌત્રીની ઇચ્છા હતી

પડ્યા પડ્યા ટીવી જોવાની.

ને પૌત્રને તો કૈં નહીં કરવાની !

ઇશ્વરે જાણી લીધી હશે એમની ઇચ્છા

તે કહી દીધું : तथास्तु

જાહેર થયું લોકડાઉન અને

પડી ગઈ રજા..

આજે કેટલા વખતે ધ્યાન ગયું

આસપાસ ચહેકતા પંખીઓના અવાજ પર

બારીમાંથી દેખાતાં વૃક્ષ પર મ્હેકતાં ફૂલો પર

અરે, ત્યારે ખબર પડી કે

સીઝનમાં જેને જોવા

લોંગડ્રાઈવ પર જઈએ છીએ

એવું એક વૃક્ષ તો છે અહીં પડોશમાં.

કેમ આમ થયું હશે ?

પછી યાદ આવી

બારી ઢાંકતા પરદાની બે બે જોડ.

બૂકશેલ્ફ પરથી મળે છે

નહીં વાંચેલી ચોપડી ..

ક્યારે લીધેલી ?

સાદ નથી આવતું, પણ

વખતે સમય છે ,

વાંચીશ રોકીંગ ચેરમાં ઝૂલતાં

જોકે વળી વિચાર આવ્યો કે

છેલ્લે ક્યારે બેઠા હતા એમાં આરામથી ?

લાવ્યા ત્યારે , કદાચ.

પછી તો એય ભૂલી ગઈ, ઝૂલવાનું.

સાચે જ,

રોકીંગ ભૂલી ગયેલી ચેર જેવાં છીએ આપણે સહુ !

આપણને સમય મળ્યો છે

ઘરમાં રહેવાનો, ઘરનાં સાથે રહેવાનો.

મનગમતું કરવાનો.

વોટ્સએપ ફેમિલીગ્રુપ પર વાત કરનારાને

અઘરું તો પડે આમ સામસામે વાત કરવાનું ,

નજર માંડીને એકમેકને જોવાનું ,

મ્હોરા વગરનાં ચ્હેરા કપરાં છે જીરવવાનું.

લાંબો ચાલ્યો છે લોકડાઉન

આરંભમાં જે ગમ્યું એનો હવે કંટાળો આવે છે.

પંખીના ટહુકા

ટ્રાફિકના અવાજની જગ્યા નથી લઈ શકતા.

ઝાડને ફૂલ ખીલે ને પાંદડા ખરે

એમાં શું જોવાનું ?

ડ્રેસરમાં હેંગર પર લટકતાં કપડાંય કંટાળ્યાં છે.

હપ્તા ભરી ભરીને, રસપૂર્વક બનાવેલા

ઘરનાં ઘરમાં હવે ગમતું નથી.

લોકડાઉન પૂરો થાય તો સારું !

સહુ નારાજ છે,

આખા ઘરમાં એક બા રાજી છે

ભર્યું ભર્યું ઘર જોઈને.

સવારનાં મૂંગા મૂંગા ,

કોઇને આડા આવી જવાય એની બીકે

સતત ઠાકોરજી સામે બેસી રહેતાં બા

સહુ જાય પછી બ્હાર નીકળતાં બા

હમણાં ખૂશ છે.

બા સ્વીટ ગાય છે એવું પૌત્રીએ કહ્યું છે.

બાનું સ્ટોરી ટેલીંગ પૌત્રને ગમે છે.

બાની સુખડી હવે પુત્રવધૂનેય ભાવે છે.

પુત્રનેય વતનમાં વીતેલું બાળપણ

યાદ આવે છે.

ઘરનાં સહુ માટે લોકડાઉન થયું છે

બા માટે લોકડાઉન ખૂલ્યું છે.

ઠાકોરજી સાંભળે તો આખા ઘરનું સાંભળે ને !

સ્રોત

  • પુસ્તક : રેખ્તા ગુજરાતી માટે કવિએ પોતે પસંદ કરેલી કૃતિ.