Balako - Free-verse | RekhtaGujarati

બેકાળજી ભર્યાં અકસ્માતથી

કે કાળજીભર્યા નિયોજનથી

આ૫ણામાં તેઓ આરંભ કરે છે.

આપણામાં તેઓ વધે છે

જીવાણુઓ કે કપોલકલ્પિતોની જેમ

અને આપણે એમના વધવા સાથે વધીએ છીએ.

લાલઘૂમ અજાણ્યા મ્યાઉંકો,

તેઓ આ૫ણા ઉંબરા ચીરે છે

અને એકદમ આપણે એમને ચાહવા માંડીએ છીએ.

લોકો જ્યારે કહે છે કે

તેઓ આ૫ણા જેવા દેખાય છે

આપણે મલકીએ છીએ અને શરમાઈએ છીએ.

આપણે એમને રોતા સાંભળવા એકકાન રહીએ છીએ

જાણે કે એમનાં દરદ

એમની ભૂખ આપણે ઊંડે આપણામાં અનુભવતા હોઈએ!

અને સજડ જકડી રાખીએ છીએ એમને

આપણા બાહુઓમાં જાણે કે

આપણને આપણો ખોવાયેલો ભાગે સાંપડ્યો હોય!

આપણે એમને આ૫ણને મળી હોય

બધી વસ્તુઓ આપવા ઇચ્છીએ છીએ

એમનામાં ક્ષતિપૂર્તિ કરીએ છીએ.

બધી વખતે

આપણે દુભાયા હોઈએ કે દુઃખી હોઈએ ત્યારે

ફરી પ્રારંભ કરવા અને આપણી ભૂલો

એમનામાં સુધારવા

આપણે એમની સામે દોડીએ છીએ

ચેતવણીની ધજાઓ ફરકાવતાં.

આ૫ણા જીવનોના આલેખક બનવામાં

નિષ્ફળ ગયેલા આપણે

એમનાં જીવન લખીએ છીએ.

આપણે એમને નાયકો બનાવીએ છીએ

તારકો. એમનાં સુખાન્ત

આપણામાં અજવાળાં વેરે છે.

આપણે એમને આપણાં સપનાંઓથી પોષીએ છીએ

પછી રાહ જોઈએ છીએ, જોતાં રહીએ છીએ એમને

ફૂલોના રખેવાળની જેમ.

(અનુ. ચંદ્રકાંત ટોપીવાળા)

સ્રોત

  • પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1980 (પૃષ્ઠ ક્રમાંક 57)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ