balake kagal ma karela - Free-verse | RekhtaGujarati

બાળકે કાગળમાં કરેલા

balake kagal ma karela

જયન્ત પાઠક જયન્ત પાઠક
બાળકે કાગળમાં કરેલા
જયન્ત પાઠક

બાળકે કાગળમાં કરેલા

આડાઅવળા લીટા વચ્ચે હું

હારબંધ શબ્દોમાં કવિતા લખવા જાઉં છું

ત્યારે

આનંદવર્ધન, શિખા ઉપર હાથ ફેરવતા

બોલી ઊઠે છે :

काव्यस्य आत्मा ध्वनिः।

કવિ મૅક્લીશ પાઇપના ઊંચે ચઢતા ધુમાડાના

અમળાતા અક્ષરોમાં ઉદ્ગગારે છે :

A poem should not mean but be!

હું

બાળકે કરેલા આડાઅવળા લીટા વચ્ચે

કવિતા લખવાનું માંડી વાળું છું!

બાળકે લખેલી કવિતા વચ્ચે

આડાઅવળા લીટા કરવાનું માંડી વાળું છું.

સ્રોત

  • પુસ્તક : ક્ષણોમાં જીવું છું (પૃષ્ઠ ક્રમાંક 253)
  • સર્જક : જયન્ત પાઠક
  • પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., મુંબઈ
  • વર્ષ : 1997