bai lilune - Free-verse | RekhtaGujarati

બાઈ લીલુને

bai lilune

કેશુભાઈ દેસાઈ કેશુભાઈ દેસાઈ
બાઈ લીલુને
કેશુભાઈ દેસાઈ

બાઈ લીલુ!

જરા કપ ચા તો પીતી જા!

જોને, બળ્યું તનેય સવાર સવારમાં

કેવી તકલીફ આપવી પડી...

એકી સાથે બે ઓચ્છવ :

એક તો આજે આઝાદીવાળી તારીખ,

ને બાર વરસ અગાઉ આષાઢની તિથિએ

બાપડા માજી મરી ગયેલાં

બરાબર વેળાએ.

બેઉ પરબ જો ને, કેવાં લારોલાર ગૂંથાઈ ગયાં!

માડીની છબી સામે દીવો કરીને તરત

જિલ્લા મથકે ઝંડો ફરકાવવા જવું’તું

– પણ ઊઠતાંવેંત કાળમુખું કોણ જાણે ક્યાંથીય...

મૂઆને મરવા માટેય બીજી કોઈ જગા જડી!

ને એની ગંધે ગંધે પેલા કાગભુશંડી

વહેલી સવારના આખી સોસાયટી ગજવી રહ્યા...

જોયું નહિ, ઠોલી ઠોલીને એનું માથું સમૂળગું

જુદું કરી નાખ્યું’તું!

...જોઈનેય ચીતરી ચડે.

અમારી ઍની ચકરી ખાઈને ભોંય પડતાં

માંડ બચી, હોં કે!

અમે તો કાચાં પાકાં તોડેલા

એટલે અમને એવી સૂગ થાય

પણ મૂઆ ભૂંડનાં બચ્ચાંને

ઊંચું કરીને આઘું ફેંકતાં

કોક જોઈ જાય તો…?!

એટલે સ્તો સવાર સવારમાં

તારું ઘર ખોળતા આવવું પડ્યું ને!

ભલે ને રૂપિયો રડો તનેય પહોંચે બહાને!

આમેય માજીના જીવ પૂંઠળ

બે કુંવાશીઓ તો એંઠી કરવી પડત!

ને ઘેરાયેલાં ને ધરવવાં કરતાં

તું શું ખોટી, ખરું કે?

વળી આજે તો પંદરમી ઑગસ્ટ,

એટલે તને બોલાવ્યાનુંય ઝાઝેરું પુણ્ય!

...જઈને વેગળું ફેંકી આવીએ?

છેક ફાટક પાસે?

બહી ડાહી હોં!

ચોમાસાનું નજીકમાં તો પાછું કોહી ઊઠે;

ને અમારી ઍની ‘ભાંગડા’ નૃત્ય કરી બેસે,

સવારે કરેલું એમ...!

* * *

તે એટલે છેટે, વાડમાં સંતાડેલો

કપ લાવી હોત તો?

અમે કંઈ સોસાયટીવાળાંઓની માફક

જૂના વિચારોવાળાં, નથી હોં કે!

તારી હથેળોઓ સૂંઘતી સૂંઘતી

પેલી ભૂંડર ચાલી આવે છે,

એને જરા આઘી કાઢ.

ને એમ શરમાયા વિના

શાંતિથી પી ચા.

આટલી ચાલસે કે હજી રેડું?

સ્રોત

  • પુસ્તક : દલિત કવિતા (પૃષ્ઠ ક્રમાંક 58)
  • સંપાદક : પ્રવીણ ગઢવી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2012