bachapanni parichit kawitao - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

બચપણની પરિચિત કવિતાઓ

bachapanni parichit kawitao

વિરાફ કાપડિયા વિરાફ કાપડિયા
બચપણની પરિચિત કવિતાઓ
વિરાફ કાપડિયા

ચાલતાં ચાલતાં કંઈ વધારે ચાલી ગયો,

ગામ-બહાર આવી ગયો.

ત્યાં ત્રિપથ-જૂથ પર વૃદ્ધિ પામેલા

મર્મર પરદાઓની પાલખી ઝુલાવતા

વીપિંગ વિલો1 હેઠળ હસતું ઝરખ બેઠું હશે

એવી મનોમન રમત રમતો

૪પ અંશનો વળાંક વળી ગયો.

યાદ આવી ગઈ આખેઆખી

શૈશવની નિશાળમાં શીખેલી

સાયાસ કંઠસ્થ કરેલી

મનની ઊંડી તળેટીમાં વર્ષો લગી કુંડળી મારીને

રિપ વેન વિઁકલ2 સમી ગાઢ સૂતેલી

વળી એક બીજી કવિતા.

અચાનક યાદીની ઝાડીમાં ઊછળતાં,

ચંચલ ઊડાઊડમાં, કૂદાકૂદમાં પડી જતાં

શૈશવે પરિશીલિત કાવ્યોનાં પતંગિયાં

પધારે છે કદી

આયુષના ઉત્તરપ્રદેશનું ઉડ્ડયન કરીને,

પાંખો પર આબેહૂબ

આદ્ય અચંબાની નકશી ધરીને.

ખંડ ખંડ ઉડ્ડયન કરીને પધારતાં

મૉનાર્ક પતંગિયાં3, સમ્રાટ પતંગિયાં, આવો.

પહેલાંની પરિચિત પેલી જાદુઈ ક્રીડા કરો

કલ્પના-પહાડની છાયામાં વાંકીચૂકી વિસ્તરેલી ખેતીમાં,

મારા મનની તળેટીમાં,

જ્યાં બીજાં પતંગિયાં પણ અસ્તવ્યસ્ત ઊડે આનંદની હેલીમાં.

સમગ્ર સંઘની હારોહાર

સુરધનુ પણ પાંખમાં પાંખ નાખી કરે વિહાર.

ને થોડી વાર, ભલેને બસ થોડી વાર,

રંગ તમારા ભભકાદાર

ચેતવીને દૂર રાખે વાસ્તવનાં ચકલાંના ચંચુ પ્રહાર.

સ્રોત

  • પુસ્તક : કવિલોક
  • પ્રકાશક : કુમાર ટ્રસ્ટ