babagaDi - Free-verse | RekhtaGujarati

એમના લગ્નસમયનાં સર્વોત્તમ વસ્ત્રો

પહેરીને મારાં માતા-પિતા

ફરવા નીકળ્યાં છે

એમની સાથે એક

બાબાગાડી પણ છે.

બાબાગાડીમાં બેઠો બેઠો હું

મારી ઝીણી, પાંત્રીસ વર્ષની

આંખો વડે જાડા કાચમાંથી

દુનિયાને જોઉં છું.

જતા-આવતા લોકો હસે છે.

ગુસપુસ કરે છે

અથવા મોં ફેરવી લે છે

હું મારા માતા પિતાને પૂછું છું:

શું આપણે બાબાગાડીને

ફગવી દઈ શકીએ?

હું બરાબર ચાલી પણ શક્તો હોઉં,

અને હું એટલી ઝડપથી તો કદીય

નહીં દોડી શકું કે હું

ઑલિમ્પિક્સમાં ભાગ લઈ શકું.

પણ, હું ડગમગ પગલે

તો ચાલી શકું છું.

એમના હોઠોને વધુ જોરથી

ભીડીને તેઓ બબડે છેઃ

તારાથી બરાબર ચાલી નથી શકાતું,

તું દોડી તો શકવાનો નથી

અને તારી ઉંમરે કોઈ

ડગમગ પગલે ચાલતું નથી.

અમે ઘણા થાકી ગયાં છીએ,

છતાં તને બાબાગાડીમાં બેસાડીને,

ફરવા નીકળીએ છીએ.

દયા કરીને તું અમને

હવે વધુ ત્રાસ નહીં આપ.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 232)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004