કેમ મોડું કર્યું
દફતર ઠેકાણે રાખ
મોજાં ધોવા નાખ
નાસ્તો કરી રમવા જા
પાછું પગમાં વગાડ્યું
દૂધ પીધું
લીલાં શાકભાજી ખાવાં જોઈએ
ફરી છાંડ્યું
વાંચવા બેસ
અમારી સાથે આવવાનો છે કે નહીં
કૅમરાનો રોલ ફરતો જાય
રાતે માથે ફરતો હાથ
ક્યારેક ગાલ પર પડતું ઊનું ટીપું
આખી રાત સાડલાની હુંફાળી સુગંધી ઊંઘ
સાંજે પાછા વળતાં
બારણે તાળું
ધીમેથી ચાવીથી ઘર ખોલું
બૂટ કાઢી
મોજાં લઈ
રસોડા તરફ વળું
આવી ગયો હાશ
સામેની ફ્રેમમાં ટમટમતું આછું અજવાળું
થાક્યો હશે
આછી દોડધામ કરીએ
સાવ એવો જ રહ્યો
પાણીનો ગ્લાસ લઈ
બાલ્કનીમાં આવું
સામેના વળાંકમાંથી
માને આવતી જોઉં
છલકતા ગ્લાસે
બારણું ખોલવા દોડું
ખુરશીની ધાર ગોઠણમાં વાગે
આછા સીસકારે કેલેન્ડરનાં પાનાં
ફરફરતાં જોઉં
ભાઈ જરા ધ્યાન રાખીએ
સાંકળ ખોલવા લંબાવેલો હાથ
હવામાં અવાચક
પાછળ વળી જોઉં
તડ પડેલાં ચશ્માંમાંથી
ઘડિયાળ પરનો સાંજનો
પડછાયો જરા ખસે
ગોઠણના લીલા ચાઠા સાથે
લંગડાતો
કેલેન્ડરનું પાનું બદલું
તડ પડેલાં ચશ્માંમાંથી આજની
તારીખ જોઉં
અધુરું પાણી પીઉં.
સ્રોત
- પુસ્તક : ગુજરાતી કવિતાચયન : 1995 (પૃષ્ઠ ક્રમાંક 41)
- સંપાદક : રમણ સોની
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 1998