ba - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ક્યારેક મારી બા હસી પડતી

ત્યારે એના ચહેરા પર જે આભા પથરાઈ વળતી

તેવા ચળકતા લાલ રંગનું ઘર

દૂર દૂર દેખાય છે

એની આજુબાજુ ઝાંખાં પડી ગયેલાં સ્મરણોની ઝાંય

લાલ દીવાલો અને કેસરી છાપરાંવાળું મારું ઘર

બારીમાંથી ઢોળાતાં ફાટફાટ લીલાં આશ્ચર્યો

ગાઢા ભૂરા રંગની પશ્ચાદ્-ભૂમાં

સફેદ લસરકે ટપકું થતાં જતાં પંખી

દેખાય કે દેખાય

પણ આખાય ચિત્રને બાથમાં લઈને

હજીય મારી બા ઊભી છે

અવિચળ અવિશ્રાંત...

સ્રોત

  • પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 520)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2007