ay chanchalanayne - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અય ચંચલનયને

ay chanchalanayne

ઉદયન ઠક્કર ઉદયન ઠક્કર
અય ચંચલનયને
ઉદયન ઠક્કર

નિશ્વાસથી બંધાતાં હતે વાદળાં

તો હું યે રચતે પ્રેમકાવ્યો

કે અય ચંચલનયને!

મારા સ્વપ્નમાં નથી હોતી રાતે

તું ક્યાં હોય છે?

તારી તસવીર તો નથી મારી પાસે

પણ રૂપાળા ચહેરે

અજવાળાની છેકભૂંસ કરતી સાંજ મેં જોઈ છે

ક્યારેક ટહુકી ઊઠે રાત

ઝૂલતું ઝૂલતું આવે શીમળાનું ફુલ

જાણે છે?

વિશ્વામિત્રના શિષ્યે સ્વર્ગે જવું હતું, સદેહે

મોકલ્યો

ઇન્દ્રના વજ્રપ્રહારે પડ્યો પાછો

કુપિત વિશ્વામિત્રે સરજ્યાં

યક્ષ કિન્નર ગંધર્વ અપ્સરા

સરજ્યું વૈકલ્પિક સ્વર્ગ

આવ તું પણ આવ

મારા વૈકલ્પિક સ્વર્ગમાં

સદેહે

કહે છે કે પૃથ્વી પર ડોડો પંખી હતાં

લાખો

તો નહી, હજારો

સો– બસો આમ તો

જઈ ચડે તું સોળસો નેવુની સાલમાં

તો મોરિશિયસની પાળે

પાનખરની ડાળે

બેઠું હસે છેલ્લું ડોડો પંખી

સાવ છેલ્લું

જે કહેશે તને

એકલતા એટલે શું

સ્રોત

  • પુસ્તક : રાવણહથ્થો (પૃષ્ઠ ક્રમાંક 57)
  • સર્જક : ઉદયન ઠક્કર
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 2022