રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો
અવાવરું સમય
avaavarun samay
યોગેશ જોષી
Yogesh Joshi
જોઉં છું
વાવની દીવાલો
અંદરથી
જર્જરિત
પડું પડું થતી;
એમાં
અનેક બખોલો
ખાલીખમ...
સઘળું
મરણ જેવું શાંત,
મીંઢું, ખાલીખમ...
નજર
ફેરવું છું ચોતરફ –
ઊંડી
અંધારી
એક બખોલમાંથી
જડી આવ્યો
અવાવરું સમય!
હું એ
અવાવરું સમયને
આ...મ
હાથોમાં પકડું,
આંખોમાં જકડું
એ પહેલાં તો એ
ગભરુ પારેવાની જેમ
ઊડી ગયો
ફડ ફડ ફડ ફડ!
ફડ ફડ...
ફડ ફડ...
ફડ...
પાછળ
હવડ
વાસ
મૂકીને...
સ્રોત
- પુસ્તક : આખુંયે આકાશ માળામાં (પૃષ્ઠ ક્રમાંક 68)
- સર્જક : યોગેશ જોષી
- પ્રકાશક : ગૂર્જર સાહિત્ય ભવન
- વર્ષ : 2018