ઝિગનેવ હર્બર્ટ
Zbigniew Herbert
પ્રેમ વિષે
કે મૃત્યુ વિષે
મેં તેની સાથે
વાત નથી કરી ક્યારેય.
અડખેપડખે સૂતા
એકબીજામાં અમે સમાઈ ગયાં હોઈએ છે ત્યારે
માત્ર આંધળો સ્વાદ
અને મૂંગો સ્પર્શ
અમારી વચ્ચે દોડતો રહે છે.
તેના કેન્દ્રમાં
તેણે શું ૫હેર્યું છે
તે જોવા માટે તેની અંદર ઝીણી આંખે
મારે તાકવું જ રહ્યું
ખુલ્લા હોઠે
જ્યારે તે સૂઈ ગઈ હતી ત્યારે
ઝીણી આંખે મેં ડોકિયું કર્યું
અને… અને
તમે કલ્પી શકો છો કે
મારી નજરે શું પડ્યું
મારી ધારણા
થોડીક ડાળખીઓની હતી
મારી ધારણા
એકાદ પક્ષીની હતી
મારી ધારણા
વિશાળ અને નીરવ સરોવરને કાંઠે આવેલા
એક ઘરની હતી
પણ ત્યાં... ત્યાં તો
મારી નજરે પડી
વેચાણ માટેના એક કાચના ટેબલ પર
પગના રેશમી મોજાંઓની જોડી
અરે! ભગવાન
હું તેને ચોક્કસ તે મોજાંઓ અપાવીશ
ચોક્કસ તે અપાવીશ
પણ પછી
નાનકડા આત્માના એ વેચાણ માટેના કાચના ટેબલ પર
શું દેખાશે
એ એવું કંઈક હશે કે જેને
સ્પર્શવું શક્ય નહિ રહે
અરે, સપનાની અંગુલિ વડે પણ નહિ.
(અનુ. ઉત્પલ ભાયાણી)
સ્રોત
- પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1979 (પૃષ્ઠ ક્રમાંક 72)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
