Atlo Ja Khyal - Free-verse | RekhtaGujarati

આટલો જ ખ્યાલ

Atlo Ja Khyal

ગુંટર આઈક ગુંટર આઈક
આટલો જ ખ્યાલ
ગુંટર આઈક

માત્ર આટલો ખ્યાલ રાખો

કે માણસ માણસનો શત્રુ છે.

અને સર્વનાશ પર

પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે.

હંમેશાં અને અત્યારે પણ

ખ્યાલ...

એપ્રિલની ક્ષણે

ભવિષ્યવાણી ભાખતા આભની તળે

જ્યારે તમે એમ માનો છો

કે તમે

સૌમ્ય મર્મર શા કોઈ વિકાસને સાંભળી રહ્યા છો

ને ચંડોળના ગીતની માયામહીં

ફૂલ ચૂંટતી કન્યકાઓ હોય તો પણ

ક્ષણે પણ

માત્ર આટલો ખ્યાલ.

જ્યારે તમે સુરાલયમાં સુરાની લિજ્જત માણતા હો

કે ઉદ્યાનમાંથી ફળોને વીણતા હો

કે સમુદ્રકાંઠાની હૉટેલમાં નીંદરમાં પડ્યા હો,

દેવળમાં મીણબત્તી સળગાવતા હો

કે ધરુ ચોપતા હો

કે સવારી કરતા હો

માત્ર આટલો ખ્યાલ.

જ્યારે કોઈનો હાથ નજાકતથી તમને સ્પર્શતો હોય

કે તમે તમારી પત્નીના આશ્લેષમાં હો

કે તમે તમારા બાળકના હાસ્યને સાંભળતા હો

ત્યારે માત્ર આટલો ખ્યાલ રાખો.

માત્ર આટલો ખ્યાલ

કે મહાન સર્વનાશ પછી

પ્રત્યેક જણ પોતે નિર્દોષ હતો

એમ પુરવાર કરશે.

માત્ર આટલો ખ્યાલ :

નકશા પર ક્યાંય કોરિયા અને બિકિની નથી :

છે તમારા પોતાના હૃદયમાં.

ભલેને જોજનો દૂર

કોઈ પાશવી કૃત્ય થયું હોય

પણ

પ્રત્યેકને માટે તમે પોતે જવાબદાર છો

માત્ર આટલો ખ્યાલ!

સ્રોત

  • પુસ્તક : કવિતા : જૂન, 1968 (પૃષ્ઠ ક્રમાંક 47)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ