sadhana tokijhna khanchaman - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સાધના ટોકીઝના ખાંચામાં

sadhana tokijhna khanchaman

મનીષા જોષી મનીષા જોષી
સાધના ટોકીઝના ખાંચામાં
મનીષા જોષી

અમેરિકા પાછા ફરીને બેગ ખાલી કરતાં

વડોદરામાં કંઈક ખરીદી કરી હશે તેની એક થેલી હાથમાં આવી.

થેલી પર દુકાનનું સરનામું લખેલું હતું -

“સાધના ટોકીઝના ખાંચામાં.”

બસ એક વાકય, અને મને ગમી ગઈ, નવેસરથી

ગુજરાતમાં બોલાતી

ગુજરાતી ભાષા

પછી તો, આખો દિવસ હું વિચારતી રહી

બીજું શું, શું થતું હશે, સાધના ટોકીઝના ખાંચામાં?

જરૂર કોઈ તરુણી

પોળના ઓળખીતા-પાળખીતાઓની નજર બચાવતી

ઊભી હશે ત્યાં, ફિલ્મ જોવા, એના પ્રેમીની રાહ જોતી.

તેનાથી થોડેક દૂર, કોઈ બીજો છોકરો

ફિલ્મની ટિકિટ, બ્લેકમાં વેચી રહ્યો હશે

હિન્દીની છાંટવાળી ગુજરાતીમાં બોલતો.

તેની નજીકમાં, કોઈ રીક્ષા વાળો, બેઠો હશે

પોતાની રીક્ષામાં, મીટર ડાઉન કરીને.

પછી કોઈ મધ્યમવર્ગીય સદગૃહસ્થ આવશે

હાથમાં શ્રીખંડની થેલી લઈને

“ચાલ, રાવપુરા આગળ લઈ લે. કેટલા થશે?”

પછી તેમની વચ્ચે થોડી રકઝક થશે

ડભોઇ અને અમદાવાદની ગુજરાતીમાં

અને એમ શરૂ થઈ જશે, એક સવારી.

રીક્ષાના ગયા પછી, તેની પાછળની કોઈ બીજી રીક્ષા

આગળ આવીને, ગોઠવાઈ જશે ત્યાં.

રીક્ષા વાળો, રાહ જોતાં જોતાં વાંચી રહ્યો હશે

કોઈ ગુજરાતી છાપું -

“અકોટામાં પકડાયું કોલગર્લ રેકેટ,

એનઆરઆઇ ગ્રાહકો માટે સાડીઓની સ્પેશ્યલ ઓફર,

કડક બજારમાં લાગેલી આગમાં પાંચ દુકાનો ભસ્મીભૂત,

ફત્તેહગંજમાં ધોળા દિવસે લાખોની લૂંટ, વડોદરામાં લિટરરી ફેસ્ટિવલ,

અલકાપુરીમાં વિદેશી દારૂ જપ્ત, પાયલ ફરસાણની દુકાનનું નવું સરનામું,

ઉત્તરાયણના ચાઇનીઝ દોરાથી ઘવાયેલા પક્ષીઓ, સિંગતેલના ભાવમાં તેજી,

માંજલપુર સ્થિત યુવાન માટે જોઈએ છે નોકરી કરતી કન્યા,

ડૉક્ટર વિદેશ પ્રવાસે ગયા છે, કમાટીબાગની ટોય ટ્રેન ફરી ચાલુ થઈ.”

રીક્ષા વાળો થોડી વારે છાપું ગડી કરીને, સીટ નીચે દબાવીને મૂકશે

જોઈ રહેશે, તેની બાજુમાં હાટડી માંડીને બેઠેલા એક વૃદ્ધ મોચીને.

વયસ્ક મોચી, વર્ષો પહેલા આવેલા હશે વડોદરા, કપડવંજથી

અને પછી રહી ગયા હશે, ખંડેરાવ માર્કેટની કોઈ ગલીમાં.

કાકાથી થોડે દૂર, કોઈ બાઈ

બિહારના કોઈ ગરીબ ગામમાંથી આવેલી

અને હવે ભાંગી-તૂટી ગુજરાતી બોલતી

શેરીનો કચરો વાળી રહી હશે.

ખૂણે-ખૂણે કચરાની ઢગલીઓ ભેગી કરીને

તે જરા વાર પોરો ખાવા બેઠી હશે

સાધના ટોકીઝના ખાંચામાં

અંદર, થિયેટરમાં ફિલ્મ શરૂ થાય ને અંધારું થશે એટલે

પેલો છોકરો, પેલી તરુણીને કિસ કરશે

અને બોલશે, મુસલમાન ગુજરાતીમાં -

“મેં તને બહુ પ્રેમ કરું છું.”

બહાર, ટોકીઝની ગલીમાં

ફરી એક વાર શરૂ થઈ હશે ચહલપહલ

કોઈ દીક્ષા મહોત્સવના વરઘોડાની.

આવતીકાલથી બધું ત્યજી દેનારી

કોઈ જૈન કિશોરી, આજે સોળ-શણગાર સજીને

તૈયાર થઈ હશે અને જોઈ રહી હશે

લોકોએ ઊંચકેલી તેની ગાદીમાં બેઠા બેઠા

અહીંથી પસાર થતાં

સિનેમાઘરની બહાર લટકતા પોસ્ટરને.

હું શ્વસી રહી છું, વડોદરાની લૂ

અહીં અમેરિકામાં

અને મારું શરીર છે, ઠંડુગાર

સાધના ટોકીઝના એરકન્ડીશન્ડ વાતાવરણમાં.

થિયેટરના અંધારામાંથી બહાર નીકળતાં

અંજાઈ જાય છે, આંખો, દિવસના ઉજાસથી.

બહાર દીવાલ પર મોટા અક્ષરે લખેલું છે -

“અહીં થૂંકવું નહી.”

પાનનો રસ ગળા નીચે ઉતારી જઈને

બાઈકને કીક મારી રહેલા

વડોદરાના વરણાગી પ્રેક્ષકો ભેગી

હું પણ બહાર નીકળી જઉં છું

સાધના ટોકીઝના ખાંચામાંથી.

સ્રોત

  • પુસ્તક : થાક (પૃષ્ઠ ક્રમાંક 33)
  • સર્જક : મનીષા જોશી
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન
  • વર્ષ : 2020