thanDak weer - Free-verse | RekhtaGujarati

ઠંડક વીર

thanDak weer

હેમંત ધોરડા હેમંત ધોરડા
ઠંડક વીર
હેમંત ધોરડા

બધાને લાગતી એમ, એમ જ, બીબાછાપ જેમ જ,

એને પણ ભૂખ લાગતી, એને પણ તરસ લાગતી

એને પણ ગરમી લાગતી, એને પણ ભીનાશ લાગતી

એને પણ કાંટાની અણી લાગતી, એને પણ પથ્થરની ઠોકર લાગતી

એને લાગતી તો બસ એક ઠંડી, ડાંગે માર્યાં પાણી જુદાં થાય તોય, લાગતી

એની ચામડી પર ઠંડી એટલે જાણે ભીંડાનું કપાયેલું ડીંટિયું

એની ચામડી પર ઠંડી એટલે જાણે શણના કોથળાનો તરાપો

એની ચામડી પર ઠંડી એટલે જાણે પારદર્શક ડાબલા

એની ચામડી પર ઠંડી એટલે જાણે રાતે સૂરજમુખી

એને આશ્ચર્ય થતું, ભારે આશ્ચર્ય, લગભગ સવા મણ જેટલું ભારે આશ્ચર્ય

કે કેમ, કે અરે પણ કેમ, કોઈનુંયે સવા વાલ જેટલુંયે ધ્યાન

ચોખાની ગૂણમાં બાજરીના એક દાણા જેટલુંયે ધ્યાન

દરિયાકાંઠે છીપલાંના સપાટ ઢગલામાં ફૂંટેલી એક કોડી જેટલુંય ધ્યાન

સિંહની સોનેરી કેશવાળીમાં ધોળા એક વાળ જેટલુંય ધ્યાન

ડાળથી છુટ્ટૂં થઈ થઈને ફળ જઈ જઈને ઉપર જાય એમ એમ જતું નથી

એની આવી અદ્ભુતતાની શું કોઈને કશી પરખ નહીં???

એની આવી અનન્યતાની શું કોઈને કશી કદર નહીં???

શું કોઈને કશી કિંમત નહીં એની આવી અપૂર્વતાની???

કોઈ પૂછે કોઈ બૂછે કોઈ ગાછે કોઈ બાછે

કોઈ કશી વાત પણ કરે, કરે કી કશો ઉલ્લેખ સુધ્ધાં

થોડાઘણાનું છોડુંઘણું ધ્યાન ખેંચવાના થોડાઘણા યત્નો, પ્રયત્નો, પ્રપ્રયત્નો

એણે વારેકવારે કર્યા નહોતા એમ પણ નહીં

એમ પણ નહીં કે બોલ્યો તો એનાં થોડાંઘણાં બોર વેચાયાં હતાં

એમ પણ નહીં કે કોઈનુંયે એક તલ જેટલુંયે ધ્યાન ખેંચાયું હતું

ખેંચાશે ખેંચાશે એવું ટમટમતો હતો તે ટમટમતો રહ્યો તે ટમટમતો રહ્યો

તે ટમટમતા ટમટમતા એક દિવસ ટપ દેતોક ઠરી ગયો

ગયો ફરી કદી પાછો ટમટમે નહીં એમ ઠરીને ગયો

પછી શું? બીજું શું? એનુંએનુંએનુંએ

ઠાઠડીખાંપણફૂલમાલહારતોરાચાર ખભાસ્મશાનચિતાદાહભડભડભડકા

ગયો, બળી ગયો, રાખ થઈ ગયો દેખદેખે, પ્રકર રાખ, દોકડાની રતલ રાખ

ક્યાંક ક્યાંક ઘેરી રાખોડી, ક્યાંક ક્યાંક આછી રાખોડી રાખ

રાખ થઈ ગઈ સ્તો, ભેળાભેળી એની પેલી ચામડી પણ

અદ્ભુતતા, અનન્યતા, અપૂર્વતાના સરવાળા જેવી એની પેલી ચામડી પણ

રાખ થઈ ગઈ દેખદેખે, પ્રચય રાખ, દોકડાની રતલ રાખ

ક્યાંક ક્યાંક ઘેરી રાખોડી, ક્યાંક ક્યાંક આછી રાખ,

સ્રોત

  • પુસ્તક : નવનીત સમર્પણ - નવેમ્બર 2023 (પૃષ્ઠ ક્રમાંક 134)
  • સંપાદક : દીપક દોશી
  • પ્રકાશક : ભારતીય વિદ્યા ભવન