અર્પણ–મારી પત્નીને
Arpan - Mari Patni ne
ટી.એસ. એલિયટ
T. S. Eliot
ટી.એસ. એલિયટ
T. S. Eliot
આપણી જાગૃતિને સમયે જે મારી ઇન્દ્રિયોને સતેજ કરે છે,
અને આપણા નિદ્રાના વિસામામાં જેના લયનું વર્ચસ્વ છે,
તે ઊછળતા આનંદ માટે હું તારો ઋણી છું.
સહવાસે શ્વાસ લેતાં આપણે એવા પ્રેમીઓ છીએ
જેમનાં શરીર એકમેકથી સુવાસિત છે,
જેમના વિચારો એક છે વાણીની જરૂર વિના,
અને વાણીનો છે એક જ લવારો અર્થની આવશ્યકતા વિના.
જે આપણો અને આપણો જ છે એ ગુલાબના બગીચાના ગુલાબોને
કોઈ રિસામણો શિયાળો પવન થીજવશે નહિ,
કોઈ ચીડિયો વિષુવવૃત્તીય સૂર્ય કરમાવશે નહિ.
પણ આ અર્પણ બીજાઓને વાંચવા માટે છે,
આ છે ખાનગી શબ્દો તને જાહેરમાં સંબોધેલા.
(અનુ. શીરીન કુડચેડકર)
સ્રોત
- પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1980 (પૃષ્ઠ ક્રમાંક 155)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
