ariisaa re ariisaa...? - Free-verse | RekhtaGujarati

અરીસા, રે અરીસા...?

ariisaa re ariisaa...?

પ્રતિષ્ઠા પંડ્યા પ્રતિષ્ઠા પંડ્યા
અરીસા, રે અરીસા...?
પ્રતિષ્ઠા પંડ્યા

મને ખબર નથી ક્યારથી શરૂ થયું

ઘડીઘડી અરીસામાં જોવાનું

જાણે શ્વાસોચ્છ્વાસ માટે

કેટકેટલી વાર

કેટલી બેચેની સાથે,

મને યાદ છે - પપ્પા ગુસ્સે ભરાયેલા

હું પંદર વર્ષની હોઈશ

વારેવારે ચાટલામાં મોં જોયા કરતી

તે એમણે એક મોટો પડદો નખાવી દીધેલો

દાદીના મોટા અરીસાવાળા કબાટ ઉપર.

ક્યારેય સમજ્યા નહીં

કે અરીસો મારે માટે શું હતો

એની સામે ઊભી રહેતી

ત્યારે જાણે હું જીવતી થઈ જતી

એક માણસની કાયા લઈને

એક નામ દઈદઈને મને બોલાવતા

એનાથી આગળ વધીને

આવી હું અરીસાની બહાર પણ હોઈ શકું

એમ માનવું મુશ્કેલ હતું.

પણ એમણે એક અરીસાને સંતાડ્યો

તો કોઈ બિહામણા સપનાની જેમ

મારી આસપાસ બીજા અનેક ઊગી નીકળ્યા

રોજેરોજ એક નવી છબી

થોડા વખતમાં તો મને અરીસાઓથી આગળ

કંઈ દેખાતું બંધ થઈ ગયું.

હું મારી જાતને અડતી

પેલી મારા જેવડી છબીને અડતી

થોડું ખોટુકલું હસતી

જોવા કે ખરેખર હું છું ને!

રોજ વધતી ગઈ છબીઓ

વાંકીચૂંકી, વિરૂપ, અપંગ, ભાંગીતૂટી

અરીસેઅરીસે બદલાતી

ઘડીઘડી બદલાતી

મેં શોધ્યા કરી

એક અરીસેથી બીજે અરીસે

એક પ્રેમથી બીજા પ્રેમ પાસે જઈજઈને

હું મારી જાતને ચાહતી બંધ થઈ ગઈ

ત્યાં સુધી

હું જાતને ખોઈ બેઠી ત્યાં સુધી

બધાય અરીસાઓ ફૂટી ગયા ત્યાં સુધી

મારી લોહીખરડાયેલી હથેળીઓ

જમીન પર ઘસીઘસીને શોધી રહી

તૂટેલા સૌ રૂપેરી ટુકડા

ખાલી એક વાર બધા ભેગા કરીને જોડવા

જેથી કરીને પેલી એક છોકરીને

હું બસ બહાર લઈ આવું

જેને પપ્પાએ પડદા પાછળ મૂકી દીધી’તી.

સ્રોત

  • પુસ્તક : નરસંહારના સમયમાં પ્રેમ (પૃષ્ઠ ક્રમાંક 106)
  • સર્જક : પ્રતિષ્ઠા પંડ્યા
  • પ્રકાશક : ઝેન ઓપસ
  • વર્ષ : 2025