તાજા વરસાદમાં ધોવાઈ ગયેલી શેરીમાં...
taajaa varsaadmaan dhovaai gayelii sheriimaan

તાજા વરસાદમાં ધોવાઈ ગયેલી શેરીમાં...
taajaa varsaadmaan dhovaai gayelii sheriimaan
કે. સચ્ચિદાનંદન
K. Satchidanandan

મારો બચી ગયેલો થોડોક આનંદ
વરસાદમાં ધોવાઈ ગયેલી શેરીમાં ચાલી રહ્યો છે.
તાજા પડેલા વરસાદની સોડમ
હું મોતની સજા પામેલા માણસની
તીવ્ર લાલસાથી સૂંઘું છું,
વરસાદમાં ખરી પડેલાં ફૂલોને હું ચૂમું છું અને
નીતરતાં ઝાડોને ગાઢ આલિંગન દઉં છું.
એક સફેદ ઘોડો અથવા તો વેગીલો પવન
દોડી જાય છે.
એક રાતું પંખી અથવા એક ગીત
પલકારમાં ઊડી જાય છે.
મારો બચી ગયેલો થોડોક આનંદ
મારા ગામના ઘરનો હીંચકો શોધી રહ્યો છે,
અને એના પર
ટપકાંવાળું ફરાક પહેરીને ઝૂલતી યાદને.
પણ એ ત્યાં પહોંચે તે અગાઉ
રાત મારા ચહેરાને કાળા બુરખાથી ઢાંકી દે છે,
ચંદ્ર દોરડું ખેંચે છે,
ચાંદની ગળા ફરતે ગાળિયો કસે છે.
મને ઉગારનારો મારો આનંદ
નવા વરસાદમાં ધોવાઈ ગયેલી શેરીમાં ચાલી રહ્યો છે,
સ્મૃતિમાં સચવાયેલું એક ઘર ખોળી રહ્યો છે
અને એક નવા શરીરની શોધમાં
જ્યાં એ જન્મ લઈ શકે.
(અનુ. કમલ વોરા)



સ્રોત
- પુસ્તક : અનુજા (પૃષ્ઠ ક્રમાંક 169)
- સંપાદક : કમલ વોરા
- પ્રકાશક : ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર
- વર્ષ : 2023