પ્રેમપત્ર
prempatra
બદ્રી નારાયણ
Badri Narayan

પ્રેત આવશે
પુસ્તકમાંથી કાઢીને લઈ જશે પ્રેમપત્ર
ગીધ પહાડ પર એને ચૂંથી ચૂંથીને ખાશે.
ચોર આવશે તો પ્રેમપત્ર જ ચોરશે
જુગારી પ્રેમપત્ર જ દાવ પર લગાવશે
ઋષિ આવશે તો દાનમાં માગશે પ્રેમપત્ર.
વરસાદ આવશે તો પ્રેમપત્ર જ પલાળશે
આગ લાગશે તો સળગાવશે પ્રેમપત્ર
પ્રેમપત્ર પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
સાપ આવશે તો ડંખશે પ્રેમપત્ર
તમરાં આવશે તો ચાટશે પ્રેમપત્ર
કીડાઓ પ્રેમપત્રને કોરી ખાશે.
પ્રલયના દિવસોમાં સપ્તર્ષિ માછલી અને મનુ
બધા વેદને બચાવશે.
કોઈ નહીં બચાવે પ્રેમપત્ર
કોઈ રોમ બચાવશે કોઈ મદીનાને
કોઈ ચાંદી બચાવશે કોઈ સોનાને.
હું કેવળ એકલો કેવી રીતે બચાવી શકીશ
તારો પ્રેમપત્ર?
(અનુ. સુશી દલાલ)



સ્રોત
- પુસ્તક : કવિતાની રોજનીશી (પૃષ્ઠ ક્રમાંક 5)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ
- વર્ષ : 2012