khun srunkaakaane ek patra - Free-verse | RekhtaGujarati

ખુન સ્રુનકાકાને એક પત્ર

khun srunkaakaane ek patra

યૅન્ગ છેયાંગ્લી યૅન્ગ છેયાંગ્લી
ખુન સ્રુનકાકાને એક પત્ર
યૅન્ગ છેયાંગ્લી

પ્રિય કાકાશ્રી,

તમે આછે આછે અવાજે છેવટ જે થોડા શબ્દો બોલ્યા હતા,

અમારાં કાકી સાંભળે એમ, હું સાંભળી ગયો હતો.

તમારું આખરી વસિયતનામું હતું, એક મરતા માણસનું.

'સાંભળો', તમે કહ્યું હતું,

'મને કફનપેટીમાં મૂકતા.

બસ, એમ દફનાવજો, પેલા આંબાના ઝાડ નીચે,

જેથી મરતાં મરતાંયે હું બચાવી શકું એક વૃક્ષને.

કોઈ નવા બનાવેલા કબ્રસ્તાનમાં મારું શરીર લઈ જતા,

જેથી જમીનનો એક ટુકડો તો બચે, ખેડવા માટે, ખ્મેર ખેડૂતોને,

વરસના ચોખા રોપવા.

એમણે લગભગ બધું વેચી માર્યું છે,

જતનથી ઉછેરેલાં ઝાડ પણ,

ખ્મેર ખેડૂતોએ પેઢી દર પેઢી ખેડેલાં ખેતરો પણ.

ને પેલાં જંગલ પણ મોટા ભાગનાં વઢાઈ ચૂક્યાં છે.

મારું મરણ કમ સે કમ એક આંબાને બચાવવાના કામમાં છો

આવતું,

જમીનના એક ટુકડાને.

કફનપેટીમાં તો નહીં જ.

આંબાના ઝાડ તળે.

બસ.' મરી ગયા. કાકા તમે તો ગયા.

(અનુ. સિતાંશુ યશશ્ચંદ્ર)

સ્રોત

  • પુસ્તક : संगच्छध्वम् (પૃષ્ઠ ક્રમાંક 122)
  • સંપાદક : સિતાંશુ યશશ્ચંદ્ર
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ
  • વર્ષ : 2023