
ઝફરને ઘરે મેં રમજાનનું શરબત પીધું હતું
એના નિકાહમાં શાહી બિરયાની
એની મા મારી મા જેવી
ઘર માટે ખપી જતાં
ઉતરડાઈ ગયેલ ચહેરાની ખાલવાળી
એના ઘરની ભીંતો મારા ઘરની ભીંતો જેવી જ
જેનાય ઠેર-ઠેર ઊખડી ગયા છે પોપડા
એના બાપા મારા બાપાની જેમ જ વલોવાય છે
ભાગલાના દિવસોની વાત ઊખેડતાં
એના શાકનું મીઠું
મારા ઘરના ડબ્બાના મીઠા જેવું જ
એની દાળનું પાણી એક જ જમીનમાંથી આવેલું
મારી તુલસીનાં પાદડાં પર પડતો સૂર્યપ્રકાશ
એની મસ્જિદના ફળિયામાં ઝૂલતા
લીમડામાંથી ચળાઈને આવતો
તેય એક-બે વાર તિરુપતિ અને દેહૂ જઈ આવેલો
હુંય કેટલી બધી વાર પત્ની સાથે
પીરની દરગાહે ખજૂર અને ચાદર ચઢાવીને આવેલો
એને અને મને
સમકાલીન લાગતા ગાલિબ અને તુકારામ
અમારી દુનિયાના જ ભાસતા
મંટો અને ભાઉ પાધ્યેની કથાનાં વિશ્વ માટે
અમે દારૂના નશામાંય એલફેલ બોલ્યા નહોતા
કે એકમેકની કોમ માટે ક્યારેય અપશબ્દ
કેટલા બધા દિવસો સુધી
મને આંતરડાના અલ્સરની જેમ પીડતી રહી
એની માને કૅન્સર થયાની માહિતી
અમે અફવા નહોતા
અમે સંપ્રદાયોનાં લેબલ નહોતા
અમે તો હતા બે ટંક દાળભાતનો મેળ પાડવા
કરાતી ટાંટિયાતોડ
એક વખતની નિરાંતની ઊંઘ મેળવવા માટેના
દિવસભરના ઉધામા
કોણ જાણે કેમ પણ થોડા દિવસોથી
કોઈ વહેંચે છે અમારાં ગલ્લીમહોલ્લામાં
ઝફર અને મારા જુદાપણાની પત્રિકાઓ
(અનુ. કમલ વોરા)



સ્રોત
- પુસ્તક : અનુજા (પૃષ્ઠ ક્રમાંક 235)
- સંપાદક : કમલ વોરા
- પ્રકાશક : ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર
- વર્ષ : 2023