
હું સપનું જોઉં છું કે હું રસોડામાં ચા બનાવી રહ્યો છું
અને ત્યારે જ મારી ભૂતપૂર્વ પ્રેમિકા પણ એ સપનામાં આવે છે
૧
દીવાસળીઓમાંથી પૂરતા તણખા નથી ઝરતા
જેનાથી ચૂલો પેટી શકે
દરમિયાન મારી ભૂતપૂર્વ પ્રેમિકા જણાવે છે
કે મારા વિના એનું ખૂબ સારું નભી રહ્યું છે
કે મારી સાથે ન પરણવાનો એનો નિર્ણય ઘણો યોગ્ય હતો અને
એને ખૂબ રાજીપો છે કે એને મારાં બાળકો ન ઊછેરવાં પડ્યાં
છેવટે એક તણખો જ્યોતમાં ફેરવાઈ જઈ,
ચૂલા પર ચુપચાપ ગોઠવાઈ જાય છે
રસોડાના એક ખૂણામાં એનાં મા-બાપ બેઠાં છે
એનો બાપ હોંશથી કહે છે કે
પેન્શનમાંથી એનું ગુજરાન સારી પેઠે રળી જાય છે
મા એના પતિને ધમકાવી રહી છે કે
એણે એના જમાઈઓના ભવિષ્યનો વધુ વિચાર કરવો જોઈએ
ચૂલા પર તપેલી મુકાતાં
થરકતો અગ્નિ શાંત થતો જાય છે
જાણે એને ભય છે, આ પાણી ઊકળી ઊઠતાંવેંત
એ હતો-ન હતો થઈ જશે
જ્યોતનો ફડફડાટ સાંભળતાં હું વિચારું છું;
આ કેવું વાહિયાત છે કે
જીવનના આ તબક્કે
એનાં મા-બાપની ઉપસ્થિતિમાં
મારી પૂર્વપ્રેમિકા એવું સાબિત કરવા હાજર થાય કે
જે ક્યારેય ન થયું
તે ખરેખર નહોતું થયું ને તે કેટલું તો યોગ્ય હતું!
૨
કબાટમાં સિલોનની ચા શોધતાં
શ્રીલંકાના ચાના ઉત્પાદકો પર બનેલી એક દસ્તાવેજી ફિલ્મ
મને યાદ આવે છે :
જો આપણે એમની પેદાશ ન ખરીદીએ
તો એ મજૂરો શહેરોમાં, પરાંઓમાં દોડી આવી
અહીં નવી ઝૂંપડપટ્ટીની વસાહતો ઊભી કરશે
ચાને પણ લાગણીવેડાની એક બાજુ હોય છે.
મારી ભૂતપૂર્વ પ્રેમિકા એનાં મા-બાપને કહી રહી છે કે
હવે એને જવાની ઉતાવળ છે
પછી મારી તરફ મોં ફેરવીને મને પૂછે છે
હું એને બસ-સ્ટૉપ સુધી મૂકવા આવીશ કે કેમ
હું દિલગીરી વ્યક્ત કરતાં કહું છું કે
ચા પીને મારે તાસ્માનિયા જતું પ્લેન પકડવાનું છે
જ્યાં જંગલમાં મધ એકઠું કરવા માટે
મારા મિત્રો મારી રાહ જોઈ રહ્યા છે
૩
પાંચ મિનિટના સ્વપ્નસમય પછી
છેવટે પાણી ઊકળવા લાગે છે
મારી પૂર્વ પ્રેમિકા મને પગથી માથા સુધી નીરખતી
સાવ અણધાર્યું બોલી બેસે છે,
ગઈ કાલે એણે મારા ભાઈને જોયો હતો
એ ફાંકડો અને દેખાવડો લાગતો હતો
એ ખરેખર દુઃખદ વાત હતી એ એનો દિયર ન બની શક્યો
હું ઊકળતું પાણી કપમાં રેડું છું
બરફ પર ઊછળતી વિસ્કીના જેવો વિશિષ્ટ અવાજ સાંભળીને
મને અચાનક ખ્યાલ આવે છે કે
તપેલીના પાણીમાં બરફનાં ચોસલાં તરી રહ્યાં છે
એ કહે છે,
જો અમારા છૂટાછેડા થયા હોત તો
એ કલ્પી ન શકાય એવા ભયંકર હોત
હું સિલોન-ચાની કોથળી કપમાં બોળું છું અને
કપ મારા હોઠ સુધી ઊંચકું છું
થોડી ક્ષણો પછી એ ઉમેરે છે કે મારી માને
(જો ખરેખર એ એની સાસુ થઈ હોત તો)
અમારાં છૂટાં પડવાની વાતે પારાવાર દુઃખ થયું હોત
૪
હું કાળજીપૂર્વક ફળફળતી ચા પીઉં છું
મારી ભૂતપૂર્વ પ્રેમિકા એની માનો અને પિતાનો હાથ ઝાલી
એમને કશુંય કહ્યા વિના ચામડાની હૅન્ડબૅગમાં મૂકી દે છે
અને તરત જ પોતાનો સ્કાર્ફ સરખો કરતી નીકળવાની તૈયારી કરે છે
મને દરવાજો ઊઘડતો અને બંધ થતો સંભળાય છે
મારા ખાલી પડેલા હાથે હું તપેલી ઊંચકું છું
એમાંથી ચમચી વડે બરફના કકડાઓ કાઢીને
કચરાની ટોપલીમાં ફેંકી દઉં છું.
(અનુ. કમલ વોરા)



સ્રોત
- પુસ્તક : અનુજા (પૃષ્ઠ ક્રમાંક 16)
- સંપાદક : કમલ વોરા
- પ્રકાશક : ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર
- વર્ષ : 2023