Aapni Abhilasha - Free-verse | RekhtaGujarati

આપણી અભિલાષા

Aapni Abhilasha

પીટર માઈન્કી પીટર માઈન્કી
આપણી અભિલાષા
પીટર માઈન્કી

આપણે જે કંઈ કરીએ છીએ

તે આપણી પહેલી પ્રિયતમાઓ માટે કરતા હોઈએ છીએ.

પ્રિયતમાઓ માટે

જેમને આપણે સદાને માટે,

આપણને પાછી કદીયે પ્રાપ્ત થાય રીતે

ખોઈ દીધી હોય છે,

ને જે કોઈક વીમાદલાલને પરણી

અમદાવાદ કે ક્યાંક ચાલી ગઈ હોય છે,

ને જે આપણે વિશે કદી

વિચાર સુદ્ધાં કરતી હોતી નથી.

પછી આપણે વિમાનો ઉડાડીએ છીએ,

અને ઘરોનાં આયોજન કરીએ છીએ,

અને કવિતાઓ લખીએ છીએ

જેમને એક વાત કહેવાની હોય છે

કે

“હે શીલા, હું તને ચાહું છું.

હું બીજી કોઈને કદીયે ચાહીશ નહિ.

હું કવિ થવાનો છું તેની તને ખબર કેમ પડી?”

શાળાએ જતી વખતે આપણે સાથે ચાલેલાં, તે,

દરિયાકાંઠે આપણે ચુંબનો લીધાં-દીધાં હતાં, તે,

આપણે નજરને જેમ જેમ પાછળ ધકેલીએ

તેમ તેમ

જૂનાં થતાં થતાં

નવું માધુર્ય મેળવતાં જાય છે.

આપણા પગ

ફરી પાછા યુવાન બની જાય છે.

આપણા અવાજ

ફરી પાછા મજબૂત અને સુખભર્યા બની જાય છે.

ને ભય તો આપણને સ્પર્શતો પણ નથી.

ભય કોને કહેવાય તેનું પૂરું જ્ઞાન પણ

આપણને તેનું પૂરું જ્ઞાન પણ

આપણને નથી હોતું,

પછી ભય શેના પામીએ?

અને એટલે,

છેક આજે પણ

આપણે હૃદયમાં આશા

(છૂપી છૂપી, નિરાશ થવા સર્જાયેલી)

રાખી રહીએ છીએ

કે શીલા

આપણે ઉડાડીએ છીએ તે વિમાનમાં

કદાચ ઊડવા આવશે,

આપણે આયોજિત કરેલા ઘરમાં

કદાચ રહેવા આવશે,

આપણે લખેલી કવિતા વાંચશે,

અને...અને...

રાતે, ઊંડા સ્વપ્નમાં ડૂબી ગયેલી શીલા,

ઊંડા અંધારામાં અમદાવાદમાં ઊંઘી રહેલી શીલા,

પેલા વીમાદલાલની બાથમાં સમાઈ ગયેલી શીલા

આપણું, હવે અપરિચિત બની ગયેલું, નામ

ઉચ્ચારી રહેશે.

(ભાવાનુવાદ : ગુલાબદાસ બ્રોકર)

સ્રોત

  • પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1979 (પૃષ્ઠ ક્રમાંક 70)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ