antar aatma - Free-verse | RekhtaGujarati

અંતર-આત્મા

antar aatma

મનીષી જાની મનીષી જાની
અંતર-આત્મા
મનીષી જાની

કોઈએ પોતાના અંતરાત્માનો અવાજ ભારપૂર્વક સંભળાવ્યો.

અંતરાત્મા શબ્દનો છેલ્લો અક્ષર ‘મા’

મને સ્પષ્ટ સંભળાયો એટલે મને થયું કે બધાંને મા હોય છે

એટલે અંતરાત્માનેય કોઈ મા હશે જ.

માએ પ્રસૂતિની પીડા વેઠ્યા વિના તો

અંતરાત્મા પેદા નહીં કર્યો હોય!

-શું કહેવું છે તમારે?

પણ મને કોઈએ એમ પણ કહ્યું કે

અંતરાત્મા તો કઠપૂતળી છે, કાઠની પૂતળી,

કોઈ નચાવે ને નાચતી કઠપૂતળી!

કાઠનાં માવતર તો ઝાડ, મૂળિયાં, ડાળી ને પાંદડાં!

પણ ઝાડ કંઈ કોઈ નચાવે એમ નાચે એવી પૂતળી પેદા કરે કે?

જુઓ, પેલું ઝૂલતું કડવા લીમડાનું ઝાડ જુઓ,

ઝાડની ડાળીએ ઝાડ નીચે ઘોડિયામાં હસતું બાળ

ને પેલા ખેતરમાં પરસેવે રેબઝેબ એની મા.

ઝાડ તો છાંયો આપે, કેરી આપે, કેળાં આપે,

બંધ થતી ને ખૂલતી બારી આપે,

અજવાળાં તરફ દોડી જવા બારણાં આપે!

કોઈ દોરી બાંધી નચાવે એમ નાચે એવી કઠપૂતળી આપે કે?

-શું કહેવું છે તમારે?

પણ અંતરાત્મા કઠપૂતળી હોય ખરો કે?

સ્રોત

  • પુસ્તક : મને અંધારાં બોલાવે (પૃષ્ઠ ક્રમાંક 89)
  • સર્જક : મનીષી જાની
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2021