antaghDiye ajamil - Free-verse | RekhtaGujarati

અંતઘડીએ અજામિલ

antaghDiye ajamil

હસમુખ પાઠક હસમુખ પાઠક
અંતઘડીએ અજામિલ
હસમુખ પાઠક

નારાયણ, નારાયણ, આમ આવ. અંધારામાં

દીવો કર, કોડિયું બુઝાયું છે; ભયાનક ઓળા યમરાજના દૂત જેમ

ઊતરી આવી મને ભૂતકાળની ખાઈમાં ખેંચી રહ્યા છે.

મને ભય છે, દીકરા, રાત હું નહિ કાઢું.

જ્યાં હોય ત્યાંથી આમ આવ નારાયણ!

સંતાઈશ, નારાયણ, બારણા બ્હાર સંતાઈશ.

ખુલ્લા બારણામાં જોઉં છું અંધારાની પાળ બાંધતો

તારાઓનો પ્રકાશ, પાછળ તું છુપાયેલો. આવ

નારાયણ કોડિયામાં તેલ પૂર દીવો કર, સંતાઈશ

નહિ, નારાયણ, સંતાઈશ નહીં.

શું તું માને શોધે છે, નારાયણ, તારી માને શોધે છે?

તો દૂર દૂર તારાઓના પ્રકાશમાં ભળી ગઈ, તે હવે

ઓરડામાં પાછી કેમ કરી આવે? વસંતની

હવામાં મળી ગઈ; કેમ કરી માટીનું રૂપ ફરી ધરે?

શું તું માને શોધે છે, નારાયણ, તારી માને શોધે છે?

આજે ચંદ્ર નહિ ઊગે, નારાયણ, આજે ચંદ્ર નહિ ઊગે.

સૂર્યની સાથે ચાલ્યો ગયેલો ચન્દ્ર કાલે પાછો ફરશે

ત્યારે સવારના તડકામાં ચન્દ્રને કેમ કરી તારવીશ, નારાયણ?

તારાઓ જ્યાં અનંત અવકાશની સીમાઓ આંકી રહ્યા છે,

ત્યાં આજે ચન્દ્ર નહિ ઊગે, નારાયણ, આજે ચન્દ્ર નહિ ઊગે.

આજે પંખી સાવ સૂઈ ગયાં છે, નારાયણ, પંખી સાવ સૂઈ ગયાં છે.

ભય છે કે પ્રીત, થાક છે કે આનંદ,

શું છુપાયું છે શાંતિમાં તે નથી જાણતો હું.

નારાયણ! આજે પંખી સાવ સૂઈ ગયાં છે, નારાયણ,

પંખી સાવ સૂઈ ગયાં છે.

તું બહુ રાહ જોવરાવે છે, નારાયણ, બહુ રાહ જોવરાવે છે.

તોફાની તું, વૃદ્ધ બાપની વેદનાને વાચા આપી

રહ્યો છે તે હવે જલદી આવ, નારાયણ!

તું બહુ રાહ જોવરાવે છે, નારાયણ, બહુ રાહ જોવરાવે છે.

દોડતો દોડતો આવ, નારાયણ, દોડતો દોડતો આવ,

તારાં નાનાં નાનાં પગલાં સંભળાવ. કાળી કાળી તારી

આંખોનું તેજ પીવરાવ, કાલી કાલી તારી બોલીમાં

નવરાવ, નારાયણ! દોડતો દોડતો આવ, નારાયણ,

દોડતો દોડતો આવ.

તારા રૂપને ઓળખું છું, નારાયણ, તારા રૂપને ઓળખું છું,

નથી સમજતો તે તારામાં છુપાયેલા અરૂપને, નારાયણ!

નથી જેને પામી શકતો તેને જોવા ચાહું છું, તેથી

સાદ કરું છું, નારાયણ! તારા રૂપને ઓળખું છું નારાયણ!

તારા રૂપને ઓળખું છું.

આવ, આવ, નારાયણ, હજી આમ ઓરો આવ,

ઓરો આવ......

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 178)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004