ane hitalarne mein janmtan joyo chhe - Free-verse | RekhtaGujarati

અને હિટલરને મેં જન્મતાં જોયો છે

ane hitalarne mein janmtan joyo chhe

લાભશંકર ઠાકર લાભશંકર ઠાકર
અને હિટલરને મેં જન્મતાં જોયો છે
લાભશંકર ઠાકર

અને હિટલરને મેં જન્મતાં જોયો છે.

એક મનુષ્ય સ્ત્રીના પેટેથી

મેં એને અવતરતાં જોયો

ત્યારે હું

શિરીષના સુકોમલ ફૂલની મત્ત ગંધથી

બેભાન બનીને

આંખ વગરની ઇયળની ઊંઘમાં ડૂબતો જતો હતો.

હું ઝબકીને જાગી ગયો.

સ્વપ્નની વાતને સ્વપ્ન તરીકે

કોઈ સ્વીકારતું નથી, પ્રબોધ!

અને હું ઊંઘમાં પણ ઊંઘી શકતો નથી.

હિટલરને હું ધિક્કારી શકતો નથી

અને ગાંધીને હું ચાહી શકતો નથી.

અને તેમ છતાં હું કેટલું બધું છું!

ભઠિયાર ગલીની ચાંપો ખાતાં ખાતાં

ભિખારીના છોકરાને

ગજવામાંથી પાંચિયું કાઢીને આપું છું.

બારા હાંડીના પાયાની ચીકાશ

માણસને બેસૂધ બનાવી શકે?

પ્રબોધ!

મદ્યનું સરોવર હોઈ શકે?

અથવા મારા માથામાં

પાણીમાંથી બરફ બનાવવાનું

કારખાનું બનાવી શકાય?

તને મને સતત ગાળો દઈને

વિશબ્દોના ચણતરથી ગૂંગળાવી દઈ શકો છો.

હિટલર બોબડો નહોતો

અને આપણે ભાષા-બાજ છીએ, પ્રબોધ.

તું તારા ન્હોરોને તીક્ષ્ણ કરી રહ્યો છે તે માટે અભિનંદન;

કેમ કે

મેં તો હિટલરને જન્મતાં જોયો છે.

સ્રોત

  • પુસ્તક : ખખડતી ખેંચે કવિતા કોણ? (પૃષ્ઠ ક્રમાંક 38)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2005