કશુંક ફંફોસતાં
હાથ લાગી સચિત્ર પાઠમાળા
અચાનક!
પાનાં ફર... ફર... ઊડતાં રહ્યાં
અને અટકી ગયા
અચાનક!
આંખની હડફેટે ચઢી આવ્યો બાપુવાળો પાઠ.
શૈશવમાં
અજાણતાં જ
સઘળું રંગી નાંખવાના ઉત્સાહમાં
હાથ લાગી સ્કેચપેનથી
કરી નાંખતા વાળ લીલા
ને મોંય ય રંગતા પીળા પીળા...
પણ ત્યારે ક્યાં કશું ‘અસ્વાભાવિક’ લાગતું હતું?
યાદ છે
એવા જ ઉમંગમાં
(ને ક્યારેક ગમ્મત ગમ્મતમાં)
બાપુનાં ચિત્રમાં
બાપુનાં ચશ્માં પર
ડાર્ક કાળી શાહીથી રંગ કર્યો હતો બરા...બર
ત્યારે
‘ગોગલ્સ’ પહેરેલા બાપુ હસતા હતા
અને એ ય યાદ છે
વર્ગખંડમાં
બાજુમાં બેઠેલી ગીતલીએ બાપુની ટાલમાં
બરા...બર વચ્ચોવચ્ચ ઍન્ટિનાય ખોસ્યું હતું
તો ય બાપુ હસતા હતા!
જોઉં છું
ચિત્રમાં
આજે પણ બાપુ હજી એવું જ હસે છે
મરક મરક...
એવી જ છે હજીય ગોગલ્સ પાછળની બાપુની આંખો
આરપાર જોતી
નરી પારદર્શક...
જ્યારે
આંખો નાની હતી
ત્યારે
બાપુ દેખાતા હતા બરા...બર.
અને
પાઠવાચનના શબ્દે શબ્દે
બાપુની આંગળી પણ પકડાતી હતી બરા...બર.
... ... ...
બાપુનાં ચશ્માંના કાચ પર ઘસેલી
કાળી શાહીનો અંધકાર
ચસોચસ વીંટળાઈ વળ્યો છે આંખોને.
સત્ય – અહિંસા – અસ્તેય
કશું જ નથી વંચાતું.
હવે.
જોઉં છું
ચિત્રમાં
બાપુ હજીય એવું જ હસે છે
મરક મરક...(?)
સ્રોત
- પુસ્તક : એકાંતનો અવાજ (પૃષ્ઠ ક્રમાંક 17)
- સર્જક : પન્ના ત્રિવેદી
- પ્રકાશક : રન્નાદે પ્રકાશન
- વર્ષ : 2010