andharun ane prem - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અંધારું અને પ્રેમ

andharun ane prem

રમેશ આચાર્ય રમેશ આચાર્ય
અંધારું અને પ્રેમ
રમેશ આચાર્ય

હું અંધારાના પ્રેમમાં છું,

વાતની જ્યારે મને

જાણ થઈ ત્યારે

ઘણું મોડું થઈ ગયું હતું.

કહેવો હોય તો એને

પ્રથમ દૃષ્ટિનો પ્રેમ કહી શકાય.

મારી બાએ

રૂની વાટથી પાડેલી મેશનું

મને પ્રથમ આંજણ કર્યું ત્યારે

એની શરૂઆત થઈ.

કપાળના ખૂણે મેશનું ટપકું કર્યું ત્યારે

મારો અંધારા સાથેનો પ્રેમ

આગળ વધ્યો.

બાળપણમાં પાછળથી આવી

મારા મિત્રે મારી આંખ દાબી હતી

અને થોડાં વરસો પછી મારી પ્રેમિકાએ

તેનું પુનરાવર્તન કર્યું ત્યારે

બેમાંથી ક્યું અંધારું વધારે ગાઢ હતું

હું આજે પણ નક્કી કરી શકતો નથી.

અને પણ નક્કી કરી શકતો નથી

કે હાથ અંધારાના હતા

કે

પ્રેમના...

સ્રોત

  • પુસ્તક : ઘર બદલવાનું કારણ (પૃષ્ઠ ક્રમાંક 17)
  • સર્જક : રમેશ આચાર્ય
  • પ્રકાશક : લટૂર પ્રકાશન
  • વર્ષ : 2013