અમે તેનાં ગીત રચીએ છીએ
ame tenna giit rachiiae chhiae
બુદ્ધદેવ બસુ
Buddhadeva Bose

અમે તેનાં ગીત રચીએ છીએ.
જે જીવન પ્રશસ્ત છે, પ્રચુર છે,
પ્રબળ તરંગભંગથી યુગયુગાન્તરમાં ધસે છે
જેના જળની શીકરમાં
સોનું અને દૂધ ભળી ગયેલાં છે,
જેના સ્રોતમાં પંક અને ભંગુર નક્ષત્ર તણાયાં જાય છે
અલસ આવેશથી
જીવનને અમે મધુરરૂપે નથી જોયું;
લલાટે સ્વેદ ટપકે છે
તેનો સ્વાદ અમારા અધરે લાગ્યો છે
હૃદયમાં દુઃખનો યજ્ઞ છે
તેની જ્વાલા પ્રત્યેક અક્ષરમાં રહેલી છે.
અમારું આકાશ રુક્ષ છે,
શ્યામ સ્વપ્નોથી તે સ્નિગ્ધ નથી.
ઉન્માદભરી જીવન-જાન્હ્વી
ઉદ્દામ ગતિથી ધસ્યે જાય છે
જીવન રહસ્યથી ભરેલું છે.
પૃથ્વી વ્યથાથી વિશાળ છે.
વમળોમાં પૂંજીભૂત કુત્સિત કચરો ખોવાઈ જાય છે.
અમારા પ્રાણોમાં એ જ પ્રાણ છે,
એ પ્રેરણા પામીને
અમે ગીતો રચીએ છીએ.
અમે એ જીવનના કવિઓ છીએ
નૃત્યક્ષિપ્ત રિક્ત મહાકાલ
અમારા ચિરસાથી છે.
(અનુ. નગીનદાસ પારેખ)



સ્રોત
- પુસ્તક : કવિતા : એપ્રિલ, ૧૯૬૯ (પૃષ્ઠ ક્રમાંક 28)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ