ame kawio - Free-verse | RekhtaGujarati

અમે કવિઓ

ame kawio

ઉશનસ્ ઉશનસ્
અમે કવિઓ
ઉશનસ્

અમે કવિઓ,

અર્ધ આરણ્યકો;

ઊગી નીકળતા વરસાદી જંગલી છોડ

તમારા સાફસૂથરા ઘરની પછીતે,

કાપો, કાપો ને અમીટ,

તમારી સંસ્કૃતિ ઉપર ઊગી નીકળતું

અમે તો સનાતન ઘાસ, લીલુડો ટહુકો;

તમારી સખ્ત દીવાલોમાં આવતી કાલની

તિરાડ, તે અમે જ;

અમે ભીંત ફાડીને ઊગી નીકળતો

પીપળો-લીલો બળવો;

અમારું બીજું નામ એટલે તાજગી

અમારી શરત;

તમારી ભીંતોમાં ઊભા ચણાઈ જવાનો

અમે તો સાફ ઇન્કાર;

અમે તો ખુલ્લું આકાશ, ભૂરો પવન,

અને શુભ્ર પ્રકાશ ઘુસાડતા

તમારી બદ્ધ નગરીમાં ઘૂસેલા સ્વર્ગના જાસૂસો;

અમે બૃહદના, ભૂમાના ગુપ્તચરો,

આનંદના બળવાના પાંચમી કતારિયાઓ

તમારા આદર્શ નગરમાં અમે ક્યાંક

અનામત;

અમે તમારા ડટ્ટા પર ઊગનારી

આવતી કાલની તારીખ,

દીવાલ પરનું દીવા જેવું સ્પષ્ટ લખાણ;

તમારી દીવાલમાંની તિરાડમાં ઘાસ જોજો,

—એ અમારું ક્રાન્તિપ્રતીક.

(૮-૧૧-૭પ)

રસપ્રદ તથ્યો

‘કિન્ટા કૉલમના’ -આ સ્પેનિશ શબ્દોના અંગ્રેજી અનુવાદ ‘ફિફ્થ કૉલમ’ પર આધારિત શબ્દ પ્રયોગ છે. સ્પેનિશ ગૃહયુદ્ધ દરમિયાન બળવાખોર જનરલ એમિલિયો મોલા દ્વારા કરવામાં આવેલી બડાઈથી આ શબ્દો પ્રેરિત હતા. એ ગૃહયુદ્ધ વેળા મોલાએ આગાહી કરી હતી કે મેડ્રિડનું પતન થશે કારણ કે શહેરની નજીક આવતા બળવાખોર સૈનિકોની ચાર કૉલમ (કતાર)માં શહેર પ્રત્યે સહાનુભૂતિ ધરાવતી એક કૉલમ (કતાર) પણ સામેલ છે. ત્યારે ધ ન્યૂ યોર્ક ટાઈમ્સમાં ઑક્ટોબર ૧૯૩૬ના લેખમાં, વિલિયમ કાર્નેએ તે ગુપ્ત બળવાખોરોને "પાંચમી કૉલમ" તરીકે વર્ણવ્યા હતા. ત્યાર બાદ અર્નેસ્ટ હેમિંગ્વેએ ૧૯૩૮માં એક પુસ્તકના શીર્ષક તરીકે આ શબ્દોનો ઉપયોગ કર્યા પછી તેને વ્યાપક લોકપ્રિયતા મળી, અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન વિદેશી રાષ્ટ્રોમાં નાઝી સમર્થકો માટે આ શબ્દપ્રયોગ ("ફિફ્થ કૉલમિઝમ" અને "ફિફ્થ કૉલમિસ્ટ" જેવા વ્યુત્પન્ન સ્વરૂપો સાથે) ઉપયોગમાં રૂઢ થયો.

સ્રોત

  • પુસ્તક : ઉશનસ્ સમસ્ત કવિતા (પૃષ્ઠ ક્રમાંક 483)
  • સર્જક : ઉશનસ્
  • પ્રકાશક : કવિશ્રી ઉશનસ્ અમૃત મહોત્સવ સન્માન સમિતિ
  • વર્ષ : 1996