akash to akash chhe abha! - Free-verse | RekhtaGujarati

આકાશ તો આકાશ છે આભા!

akash to akash chhe abha!

પુરુરાજ જોષી પુરુરાજ જોષી
આકાશ તો આકાશ છે આભા!
પુરુરાજ જોષી

તારા તપ્તનિઃશ્વાસથી

આકાશ તરડાઈ ગયું છે

એમ માનવું

તારો ભ્રમ છે, આભા!

આકાશ તો આકાશ છે

કાચની બંગડી થોડી છે કે...

માથા પર ઝળુંબી રહેલા

રણના પ્રલમ્બ વિસ્તારમાં

તારી લાગણીઓ રોપવી રહેવા દે આભા!

અને

આમ અસહાય નજરે

એની સામે તાકી રહેવાનો યે

શો અર્થ છે આભા?

નિર્મમ અવકાશ

કઈ રીતે

કોઈની છત્રી

કે કોઈનું છાપરું

બની શકે?

આભા!

આભા, તું સાવ ભોળી છે

આકાશની મીંઢાઈને

ઓળખતી નથી તું.

પ્રેમ અને કરુણાને

ક્રોસ પર મઢી દેવાયાં

ક્ષણને પૂછ

અથવા

સત્યના ક્યારામાં

સોમલ સિંચાયું

ક્ષણને પૂછ

ક્ષણ

તને આકાશની સ્વસ્થતાની

સાહેદી આપશે

અરે

ભરી સભામાં

કામાતુર ભાલાઓથી

વીંધાઈ ગયેલી

લજ્જાનાં નિરાવરણ અંગોને પૂછ.

આકાશની નિઃસ્પંદતાનું

પ્રમાણપત્ર મળશે તને

અને

એની બધિરતા વિશે

જાણવું છે?

તો

પેઢી દર પેઢી

પડઘાતી આવતી

હિરોશીમા-નાગાસાકીની

રાખને પૂછ.

આભા!

આકાશ તો પ્રાગૈતિહાસિક વૃકોદર

એને મન

શું મૂલ્ય હોય

તારી સુચ્યગ્ર વ્યથાઓનું?

હા,

શક્ય છે કે તારા નિઃશ્વાસથી

વૃક્ષની આંખથી પાંદડું ખરે

તારી આંખથી સરતાં આંસુ જોઈને

શક્ય છે કે

પંખીના ટહુકામાં

ભીનાશ ભળે

અરે ચાંદલાવિહોણું

તારું કપાળ જોઈને

અરીસાના અંતરમાં તિરાડ પડે

શક્ય છે

પરંતુ આકાશ?

આકાશ તો આકાશ છે

આભા!

કાચની બંગડી થોડી છે કે...

સ્રોત

  • પુસ્તક : નક્ષત્ર (પૃષ્ઠ ક્રમાંક 4)
  • સર્જક : પુરુરાજ જોષી
  • પ્રકાશક : બકુલા પુરુરાજ જોષી
  • વર્ષ : 1979