wipasha amerikaman - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વિપાશા અમેરિકામાં

wipasha amerikaman

સિતાંશુ યશશ્ચંદ્ર સિતાંશુ યશશ્ચંદ્ર
વિપાશા અમેરિકામાં
સિતાંશુ યશશ્ચંદ્ર

લાવ થોડું અજવાળું ઉપજાવી લઈએ રાતમાં.

સૂરજ ડૂબ્યે કંઈ એટલો વખત નથી થયો

કે હમણાં ફરી ઊગે.

અવેજીમાં જે કંઈ આવી શકે ખપમાં,

ઝાઝું નહીં તો ટકી રહેવા પૂરતું,

પેદા કરી લઈએ રાતમાં.

લીલા ઝાડને જોઈને થાય

કે સુકાઈ ગયું હોત તો સારું, બળતણ મળત,

એવો વખત છે, આ.

જીવતા હરણને જોઈને થાય

કે આને હણીને વાપરીએ,

માંસ ખાવામાં આવશે, ચામડું ઓઢવામાં, શિંગડાં લઢવામાં,

એવો વખત છે, આ.

અંધારા વખતમાં લાવ થોડુંક અજવાળું આપણે કોક નવી રીતે

નિપજાવી લઈએ રાતમાં.

કેમ કે અંધારાથી ટેવાવું તો નથી જ.

ભલે ક્યાંક ગમે તેવું ગંધાતું હોય, કે ગમી જાય તેવું, પણ જગતને

ફક્ત સૂંઘી સૂંઘીને જાણવું નથી.

દુનિયાને નથી ઓળખવી શિકાર કે શિકારીના ફરકતા ફફડતા કાન માંડીને.

જોવું છે, જોવું છે, જોવું છે,

જૂના જમાનામાં મફતમાં મળતું’તું એવું અજવાળું હવે નથી તો શું થયું?

સૂકવવા જોગ જે જડી આવે અંદર એને સુકાવી લઈએ.

પગને અથડાતા પથરાઓને પરસ્પર ટકરાવી તણખા ઉપજાવી લઈએ.

સમયના લોઢાની તીણી સારડી જાતે ફરે છે એનાથી વધારે ઝડપે ઘુમાવીને આપણી હથેળીમાં ભાર દઈને પેદા કરી લઈએ થોડીક આગ.

સૂકાં પાંદડાંમાં, સુકાયેલાં પાંદડાંના ઢગલા જેવા આપણા મનમાં

જે ઊપજે તે અજવાળું,

કે શેકવા, સળગાવવા, બાળવા, રાખ કરવા માટેની આગ.

આપણી આગ એટલે અંતે અજવાળું, એવી આગ જે છેવટ બસ અજવાળું.

છો થોડુંક અજવાળું થોડુંક જોવા દે થોડીક વાર અહીં આટઆટલામાં જ, ભલે

લાવ થોડીક વાર થોડુંક અજવાળું ઉપજાવી જોઈએ

ને જાતે જોઈએ, પળને, સ્થળને, ખુલ્લી આંખે,

અંધારી રાતમાં, વિપાશા.

સ્રોત

  • પુસ્તક : એતદ્ : ૨૦૪ (પૃષ્ઠ ક્રમાંક 3)
  • સંપાદક : કમલ વોરા, નૌશિલ મહેતા
  • પ્રકાશક : ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર
  • વર્ષ : 2014