અગ્નિદાહ
Agnidaah
વિપિન પરીખ
Vipin Parikh
વિપિન પરીખ
Vipin Parikh
એક દિવસ
મેં માણસો વિષેનાં બધાં વિશેષણો ભેગાં કર્યાં
'અ' દંભી છે, બોલે છે કશું, કરે છે કશું.
'ઢ' ઢોંગી છે.
'ક' કંજૂસ છે, મુઠ્ઠી ખોલતો જ નથી.
'ચ' ઉડાઉ છે. હાથમાં કશું ટકતું જ નથી.
'પ' દારુડિયો છે. રાતદિવસ પીધા જ કરે છે.
'ફ' નો સ્વભાવ ફાટેલો છે, પોતાને શુંય સમજે છે!
'ગ' એક નંબરનો ગપોડી છે, એનું કહ્યું કશું માનવું નહીં.
'બ' બકરી જેવો છે, એવા નરમ થઈએ તો જિંદગીમાં કેમ ચાલે?
આ 'કખગ' બધા જ મારા મિત્રો, સ્નેહી.
કોઈ અહીં રહે છે, કોઈ દૂર.
બધાને ઘરેથી, ખૂણેખાંચરેથી એમનાં વિશેષણો લઈ આવ્યો :
દંભી, ઢોંગી, જુઠ્ઠો, ગપોડી…
બધાં વિશેષણો પર ભારોભાર ઘાસ નાખ્યું
– ઉપર પેટ્રોલ
ને પછી આગ લગાવી
પછી
મેં મારાં વિશેષણોનાં લાકડાં અંદર નાખ્યાં :
વિવેકી, સમજુ, સાચ્ચાબોલો, ચોક્કસ, સંવેદનશીલ –
શું ભડકા નીકળ્યા છે અંધારી રાતમાં!
સ્રોત
- પુસ્તક : કવિતા - ફેબ્રુઆરી, 1980 (પૃષ્ઠ ક્રમાંક 9)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
