અઘોર યાતનામાંથી પ્રસવતી
Aghor YatanaMathi Prasavati
અનિલ જોશી
Anil Joshi
અનિલ જોશી
Anil Joshi
અઘોર યાતનામાંથી પ્રસવતી
નવજાત સ્વતંત્રતાની આંખ
ખૂલી ન ખૂલી ત્યાં
સમુદ્રના તરંગો ઊછળી પડ્યા.
યાતનાનું તરફડવું
અને બરફનું ઓગળવું
એટલે ગંગા થઈ જવું.
શિશિરના હૂંફાળા તડકામાં
ચકરાવા લેતા કબૂતરનું પ્રતિબિંબ
ગંગાનાં પાણીમાં પડ્યું
ને પાણી વર્તુળાઈ ગયું સફરજનની જેમ.
ને એના વર્તુળો તો છેક કાંઠે જઈને તૂટ્યાં
ને એ તૂટતાં વર્તુળોમાં
અમે તમારો ગુલાબી ચહેરો જોયો છે.
અમે નાના હતા ત્યારે
ચો૫ડી વાંચતાં વાંચતાં
પાનું ભૂલાઈ ન જાય એ માટે
ચો૫ડીમાં મોરપીંછ રાખતા
તો ક્યારેક વળી
સુકાઈ ગયેલું ગુલાબ રાખતા.
આજે મોટા થયા છીએ ત્યારે
ઇતિહાસનું પાનું યાદ રાખવા માટે
અમે કારતૂસો રાખીએ છે.
સ્રોત
- પુસ્તક : કવિતા - ફેબ્રુઆરી, 1976 (પૃષ્ઠ ક્રમાંક 2)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
