aevii taarii kalpanaa hatii - Free-verse | RekhtaGujarati

એવી તારી કલ્પના હતી

aevii taarii kalpanaa hatii

વિંદા કરંદીકર વિંદા કરંદીકર
એવી તારી કલ્પના હતી
વિંદા કરંદીકર

અપારદર્શક મનનો કાચ કેવો તડાક તૂટ્યો,

કેવું વચક્યું સ્થૂળ ગણિત; વિઘ્નવિરામ કેવા

જીવનને રસ્તે દીપસ્તંભ થયા – એ હું તને

કહેતો બેસીશ એવી તારી કલ્પના હતી!

વલોવાતાં મનની નસ કોણે ટોચી, કઈ હથોડીથી,

અને આંતરડાંએ કેવાં ચડાવ્યા પોતાને જ વળ

એ કહીશ, અને ડૂસકાંને ચકિત ભયભીત થતાં દેખાડીને

તું હસાવીશ, હળવી અનાઘ્રાતતાથી, એવી તારી કલ્પના હતી!

અને આવી પણ : પછી ભૂરકી નાખતા વાળને સંભાળતી

તું ફેરવીશ મારાં પોપચાં પરથી તારી આંગળીઓનો

બોબડો સ્પર્શ; બુઝાવી દઈશ મારા અંતરના વજ્રસંગીતને

ફક્ત એક પાંપણના પ્રમાદમાં; અને આ વિક્રમ

પછી ફરી ફરીને કહેતી બેસીશ પોતાની ગલીની

ગોકળગાયોને... એવી તારી કલ્પના હતી!

(અનુ. જયા મહેતા)

સ્રોત

  • પુસ્તક : અનુગુંજ (પૃષ્ઠ ક્રમાંક 34)
  • સંપાદક : જયા મહેતા
  • પ્રકાશક : મિહિકા પબ્લિકેશન, મુંબઈ
  • વર્ષ : 1987