ma jyare waikunth jashe - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મા જ્યારે વૈકુંઠ જશે

ma jyare waikunth jashe

હસમુખ પાઠક હસમુખ પાઠક
મા જ્યારે વૈકુંઠ જશે
હસમુખ પાઠક

જગતના પરિતાપમાં ડૂબેલી

માને

વહેલી સવારે ઉત્તરના દેવ

એનું વામ અંગ સ્પર્શી કહેશે,

“ચાલો મા, સમય થયો!”

સ્હેજ ભ્રકુટીભંગે, તીરછી નજરે

દેવને વધાવી મા કહેશે,

“હા, હવે નિદ્રા, ગોવિંદ,

ગોવિંદ, ગોવિંદ, ગોવિંદ!”

ઉત્તરના દેવ નામોચ્ચારથી

છંટકાઈ, પવિત્ર થઈ, ખમચાઈ

હોઠમાંથી ફૂટતી વાચાથકી પ્રાણે,

પ્રાણથકી મને, મનથકી આત્મચૈતન્યે

પ્રવેશતા ગોવિંદને

પ્રણમી, દૂર ઊભા રહી

આપોઆપ સાથોસાથ બોલશે,

“ગોવિંદ, ગોવિંદ, ગોવિંદ, ગોવિંદ!”

પછી ખીલશે ફૂલ, વાશે વાયુ,

વહેશે સુગંધ;

જે સુગંધે

માનાં બાળકો પંખીઓની જેમ

ઊડતાં, પાંખ પસારતાં, કિલકિલાટ કરતાં

આવી મળશે માની યાત્રામાં;

યાત્રિક સૌ ગાશે,

“ગોવિંદ, ગોવિંદ, ગોવિંદ, ગોવિંદ!”

જે નહિ આવે,

તે જ્વાળાએ જવાળાએ ઝીલશે,

શ્વાસ–નિઃશ્વાસે ગુજશે, એક માત્ર ગીત:

“ગેાવિંદ, ગાવિંદ, ગોવિંદ, ગોવિંદ!”

વૈકુંઠના સીમાડા ઉપરથી,

ચાલી આવતી, ચપટી વગાડતી,

આજુબાજુ જોતી, કંઈક સાંભળતી,

કંઈક હસતી, કંઈક રોતી મા

અચાનક થંભી ઝૂકી જશે,

મંદિરદ્વાર આગળ ઊભેલા,

વર્ષોથી રાહ જોઈ રહેલા,

શ્વેત વસ્ત્ર પહેરેલા,

સ્વામીના ચરણમાં

ઝુકતી માનો હાથ પકડી લઈ

પિતા બોલશે, “આવ! દેવી, આવ!”

મા સ્હેજ હસી બોલશે,

“હરિ હરિ બોલ, બોલ હરિ બોલ,

મુકુંદ, માધવ, ગોવિંદ બોલ”

પિતા વધુ હસી બોલશે,

“ગોવિંદ, ગોવિંદ, ગોવિંદ, ગોવિંદ!”

વૈકુંઠના ગર્ભદ્વારે

માતાપિતાનાં પગલાં સંભળાશે,

“ગોવિંદ, ગોવિંદ, ગોવિંદ, ગોવિંદ!”

શાંતિઃ શાંતિઃ શાંતિઃ

(માનો વૈંકુઠવાસ: ર૮ ઑગસ્ટ '૬૭)

સ્રોત

  • પુસ્તક : આધુનિક ગુજરાતી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 54)
  • સર્જક : સુરેશ દલાલ, જયા મહેતા
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1989