aawo - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઘરે આવો પાછા, સમજણ લઈને સફરની

ઘરે પાછા આવો ગમગીન બનીને સફરને

લંબાવો! પંથે ક્ષિતિજ ઢળતી જોઈ સતત

અને સંભારીને સતત નમતી વેળ...અટકે!

શું ફોરી ઊઠે ઘર, ફડિયું ને ગામ શમણે?

વસેલાં હૈયાની નિકટ ધૂળિયા પંથ સીમના,

અને માળે બાંધ્યા કલરવ ભર્યું ખેતર ઊડે

નહીં શ્વાસે શ્વાસે-સ્મરણ બનીને? પંથ તમને

કદીયે ના ચીંધે નીરવ રવનું ગાન નભનું :

અહીં શેઢે બેસી નિત નીરખતાં જે ભળકડે?

વળી સંધ્યાટાણે ધણ રણકતું ઝાલર સમું

વળે ખીલે પાછું...વિવશ કરે કોઈ તમને?

આવો ત્યારે કહીશ નહિ આવો, પધારો અતિથિ!

—ઊભી હું તો અગણિત યુગોથી અહીં રાહ જોતી!

સ્રોત

  • પુસ્તક : તમે (પૃષ્ઠ ક્રમાંક 65)
  • સર્જક : માધવ રામાનુજ
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 1986
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ