આવો શિશુ
aavo shishu
વિપિન પરીખ
Vipin Parikh
વિપિન પરીખ
Vipin Parikh
આવો શિશુ!
શું નામ રાખશું તમારું?
મને સિદ્ધાર્થ ગમે. મને કૃષ્ણ ગમે.
આવો, તમને ક્યાં રમકડાં ગમશે?
તમને બાણ ગમશે?
સ્તબ્ધતાનાં જાળાં બાઝી ગયાં છે અહીં ખૂણે ખૂણે
વીંધી નાખો એને તમારા તીરથી!
યમુનાના જળમાં જે દડો ખોયો હતો તે તમને ગમશે?
એ દડાના એક ઘાથી
પેલા અક્કડ 'ફલાવર વાઝ'ના ટુકડેટુકડા કરો!
તમે કયું ગીત ગાશો?
કાબરના કલબલાટથી ભીંતોને દોડતી કરી મૂકો.
આ ઘડિયાળના નિસ્તેજ ચ્હેરાને ખડખડાટ હસાવી મૂકો.
પુસ્તકોના એક એક પાનાની હોડી બનાવીને તરતી મૂકો!
તમારી આંખોનાં ગુલાબી પોપચાં પર પરીઓને રમવા બોલાવીશું.
આવો કૃષ્ણ,
તમારી પા પા પગલીથી આ ઠંડી ફરશ ઉપર વૃંદાવન ઊભું કરો!
સ્રોત
- પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1977 (પૃષ્ઠ ક્રમાંક 101)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
