danawni sabha - Free-verse | RekhtaGujarati

દાનવની સભા

danawni sabha

વર્ષા દાસ વર્ષા દાસ
દાનવની સભા
વર્ષા દાસ

પુરુષોની સભામાં

એક દાનવે ઊભા થઈને આંગળી ચીંધી

સભાની એક માત્ર અમલા મહિલા તરફ.

ક્રોધથી કચકચાવ્યા દાંત

આંખોમાંથી વરસી આગ

છોડ્યાં ઢગલાબંધ વિષબાણ.

સ્થિર શાં જળાશયમાં

પથ્થરોની ભરમાર,

પણ આશ્ચર્ય!

પાણી થરથર્યું સુધ્ધાં નહીં!

દાનવ વસ્ત્રહરણ કર્યે જતો હતો,

સતનું તેજ અમલાને ઢાંક્યે જતું હતું.

પુરુષો માથાં નમાવીને બેઠા હતા.

માથામાં સત્યનો સાથ દેવાની ક્ષમતા નહોતી.

શેતાનનો પ્રતિકાર કરવાની ઇચ્છા નહોતી.

કારણ?

કારણ કે દાનવના હાથમાં ધનની પોટલી હતી

ને પુરુષોના હાથમાં ભિક્ષાપાત્ર.

કાલે કરે નારાયણ

જો દાનવની પોટલી ચોરાઈ જાય તો?

જમીનમાં માથાં દાટીને બેઠેલા ભિખારીઓ

શું માથાં ઊંચકી શકશે?

કે પછી લાંબા સમયથી

ઝૂકેલા રહેવાથી

કદાચ બધા ભૂલી ગયાં છે

કે એમને ધડ પર એક માથુંયે છે!

સ્રોત

  • પુસ્તક : શૂન્યતામાં પૂરેલા દરિયાનો તરખાટ... (પૃષ્ઠ ક્રમાંક 291)
  • સંપાદક : ઉષા ઉપાધ્યાય
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2007